પોલીસની સર્ચ ટીમને દરરોજ સવારે એ એરિયામાં મોકલવામાં આવે છે. ગઈ કાલે સવારે સર્ચ ટીમે જોયું કે સરહદપારથી ડ્રોન આવી રહ્યું છે અને તેમણે એને ગોળી મારી હતી.
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના કથુઆ જિલ્લામાં હિરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમાની નજીક ગઈ કાલે સવારે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું, જેની સાથે મૅગ્નેટિક બૉમ્બ અને ગ્રેનેડ્સ બાંધવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે સરહદપારથી આ ડ્રોન આવી રહ્યું હતું અને એને તલ્લી હરિયા ચક એરિયામાં તોડી પાડવામાં આવ્યું હતું.
ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંહે જણાવ્યું હતું કે ‘તલ્લી હરિયા ચક વિસ્તારમાં ડ્રોન ઍક્ટિવિટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસની સર્ચ ટીમને દરરોજ સવારે એ એરિયામાં મોકલવામાં આવે છે. ગઈ કાલે સવારે સર્ચ ટીમે જોયું કે સરહદપારથી ડ્રોન આવી રહ્યું છે અને તેમણે એને ગોળી મારી હતી. એ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું અને સાત મૅગ્નેટિક બૉમ્બ અને સાત યુબીજીએલ (અન્ડર બેરેલ ગ્રેન્ડ લૉન્ચર) ગ્રેનેડને જપ્ત કરવામાં આવ્યા હતા.’ નોંધપાત્ર છે કે, પાકિસ્તાન ડ્રોન્સ દ્વારા ભારતમાં સતત હથિયારો અને ડ્રગ્સ મોકલવાની કોશિશ કરી રહ્યું છે.