ચેન્નઈમાં એક જણે શોરૂમની સામે જ તેનું સ્કૂટર સળગાવી દીધું
સ્કૂટર
ચેન્નઈમાં ઍથર ઇલેક્ટ્રિક સ્કૂટરના માલિક પાર્થસારથિએ તેનું સ્કૂટર શોરૂમની સામે આવેલા રોડ પર બુધવારે સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આના કારણે હોબાળો મચી ગયો હતો અને શોરૂમના સ્ટાફ અને પોલીસે દખલગીરી કરવી પડી હતી અને તેમણે પાર્થસારથિને શાંત કર્યો હતો.
એન્જિનિયર અને કલેક્શન-એજન્ટ તરીકે કામ કરતા પાર્થસારથિએ ત્રણ વર્ષ પહેલાં ૧.૮૦ લાખ રૂપિયામાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીધ્યું હતું, કારણ કે તેને વારંવાર બહાર જવું પડતું હતું, પણ થોડા જ મહિનામાં એમાં સમસ્યાઓ ઊભી થવા લાગી અને એ ખોટકાઈ જતું હતું. આ માટે તેણે વારંવાર શો રૂમમાં આવવું પડતું હતું. તેણે કંપનીમાં ફરિયાદ પણ કરી હતી છતાં તેના સ્કૂટરની સમસ્યા હલ નહીં થતાં રોષે ભરાઈને તે બુધવારે સવારે અંબાતુર વિસ્તારમાં આવેલા કંપનીના શોરૂમ સામે આવ્યો હતો અને સ્કૂટરમાં આગ ચાંપી દીધી હતી. આ જોતાં લોકોએ તાત્કાલિક આગ બુઝાવી હતી અને શોરૂમમાં સ્કૂટર ઇન્સ્પેક્શન માટે લઈ જવામાં આવ્યું હતું. ટ્રાફિક જૅમ થતાં પોલીસ પણ આવી હતી. તેણે પોલીસ સમક્ષ પોતાની આપવીતી કહી હતી. તેણે કહ્યું હતું કે કંપનીમાં વારંવાર સ્કૂટર લાવવા છતાં એ બરાબર રિપેર થતું નથી એટલે તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઘણી વાર થયા બાદ આખરે કંટાળીને મેં એમાં આગ ચાંપવાનો નિર્ણય લીધો હતો.
થોડા સમય પહેલાં ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરના રિપેરિંગનું બિલ ૯૦,૦૦૦ રૂપિયા આવતાં એક કસ્ટમરે એને કંપનીના શોરૂમ સામે જ હથોડાથી તોડી નાખ્યું હતું.