મહિલાઓને ‘બૅડ ટચ’થી બચાવવા ઉત્તર પ્રદેશના મહિલા આયોગનો પ્રસ્તાવ
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સામેના અત્યાચારને રોકવા માટે અને મહિલાઓને પુરુષોના ‘બૅડ ટચ’થી બચાવવા માટે ઉત્તર પ્રદેશ સ્ટેટ વિમેન કમિશને પ્રસ્તાવ મૂક્યો છે કે ઉત્તર પ્રદેશમાં પુરુષ ટેલર્સ મહિલાઓનાં કપડાં સીવવા માટે માપ લઈ શકે નહીં, આ માટે ટેલર્સે મહિલાઓને નિયુક્ત કરવી પડશે; આ ઉપરાંત પુરુષ હેરડ્રેસરો મહિલાઓના વાળ પણ કાપી શકે નહીં અને જિમમાં પણ મહિલાઓ માટે અલગથી મહિલા જિમ ટ્રેઇનરો રાખવામાં આવે.
કમિશનની ૨૮ ઑક્ટોબરે મળેલી બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને એમાં જણાવવામાં આવ્યું હતું કે ટેલર્સે તેમની દુકાનોમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવા પડશે.
ADVERTISEMENT
આ મુદ્દે કમિશનની એક મેમ્બર હિમાની અગરવાલે કહ્યું હતું કે ‘૨૮ ઑક્ટોબરની બેઠકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે મહિલાઓનાં માપ લેવા માટે માત્ર મહિલા ટેલર્સને જ મંજૂરી આપવામાં આવે અને તેઓ જ મહિલાઓનાં કપડાં સીવે. માપ લેવાના વિસ્તારમાં CCTV કૅમેરા લગાવવામાં આવે. કમિશનનાં ચૅરમૅન બબીતા ચૌહાણે આ પ્રસ્તાવ મૂક્યો હતો અને બેઠકમાં હાજર સભ્યોએ એને ટેકો આપ્યો હતો. અમે એમ પણ કહ્યું હતું કે સલૂનમાં પણ મહિલા કસ્ટમર્સ માટે મહિલા હેરડ્રેસરો હોવી જોઈએ.’
મહિલાઓની થતી છેડતી મુદ્દે બોલતાં તેમણે વધુમાં કહ્યું હતું કે ‘અમારું મંતવ્ય એવું છે કે આવા તમામ પ્રોફેશન જ્યાં મહિલા કસ્ટમર્સ છે ત્યાં સર્વિસ-પ્રોવાઇડર પુરુષો હોય તો મહિલાઓની છેડતી થવાના ચાન્સ છે. કેટલાક પુરુષો ‘બૅડ ટચ’ કરે છે. દરેક પુરુષ પ્રોફેશનલ ખરાબ નથી, પણ કેટલાકના ઇરાદા સારા પણ હોતા નથી.’ આ માત્ર એક પ્રસ્તાવ છે અને મહિલા કમિશન આ પ્રસ્તાવને રાજ્ય સરકાર સમક્ષ મોકલીને આ સંબંધિત કાયદા બનાવવા માટે વિનંતી કરશે.