પત્નીએ કરેલા કેસને આવું કહીને અલાહાબાદ હાઈ કોર્ટે રદ કરી દીધો
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશમાં અલાહાબાદ હાઈ કોર્ટે પત્ની દ્વારા પતિ સામે કરવામાં આવેલો દહેજની માગણી, હિંસા અને અપ્રાકૃતિક સેક્સ-સંબંધોને લગતો કેસ રદ કરી દીધો હતો. મહિલાએ પતિના વિરોધમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો, જેમાં અપ્રાકૃતિક સેક્સ-સંબંધનો, દહેજની માગણીનો અને ક્રૂરતાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આના વિરોધમાં પતિએ હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો અને એને કોર્ટે ન્યાય આપ્યો હતો અને પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ સેક્સ-સંબંધો હોવાનું જણાવ્યું હતું.
હાઈ કોર્ટે FIRની વિગતો ચકાસી હતી અને એમાં મારપીટ કે હિંસાના પુરાવા મળ્યા નહોતા. કોર્ટે નોંધ્યું હતું કે બન્ને વચ્ચે ઝઘડાનું કારણ સેક્સ-સંબંધો હતા. પતિ જ્યારે પણ શારીરિક સંબંધ બનાવવા માગે ત્યારે પત્નીને એ અપ્રાકૃતિક લાગતું હતું. જસ્ટિસ અનીશ કુમારે કહ્યું હતું કે જો પુરુષ તેની પત્ની પાસે શારીરિક સંબંધની માગણી નહીં કરે તો તે તેની સેક્સ્યુઅલ ઇચ્છાઓને સંતુષ્ટ કરવા ક્યાં જશે? બન્ને વચ્ચે જાતીય સુખનો કેસ ક્રૂરતાનો કેસ નથી.
ADVERTISEMENT
શું છે કેસ?
નોએડામાં રહેતી યુવતીનાં લગ્ન એન્જિનિયર યુવાન સાથે ૨૦૧૫માં સાત ડિસેમ્બરે થયાં હતાં. લગ્ન બાદ પતિ નોકરી માટે સિંગાપોર જતો રહ્યો હતો અને ૨૦૧૭માં તે સિંગાપોર ગઈ હતી. ૨૦૧૮માં પત્નીએ નોએડામાં કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ અને પરિવાર તેને દહેજ માટે પરેશાન કરે છે, દહેજ નહીં મળવાથી તેની મારપીટ કરવામાં આવી છે. તેણે આરોપ લગાવ્યો કે પતિ શરાબી છે અને અપ્રાકૃતિક સેક્સ-સંબંધની માગણી કરે છે અને ના પાડવામાં આવી તો ગળું ઘોંટીને મારવાની કોશિશ કરવામાં આવી. કોર્ટને આરોપોમાં તથ્ય નહીં લાગતાં કેસ રદ કરી દીધો હતો.

