ઘટનાને પગલે ઘાયલ બાળકના રોષે ભરાયેલા પરિવારજનોએ શાળામાં તોડફોડ કરી મૂકી
અજબગજબ
પાંચ વર્ષનો એકલવ્ય કુમાર મંગળવારે સ્કૂલમાં પિસ્ટલ લઈને પહોંચી ગયો હતો
એક વેબ-સિરીઝનો ડાયલૉગ છે, ‘યે બિહાર હૈ, યહાં બચ્ચેં યા તો આઇપીએસ બનતે હૈં યા ફિર ગુંડે.’ બે અંતિમ વચ્ચે જીવતા બિહારના સુપૌલમાં આંખ ઉઘાડનારી અને ગંભીર ઘટના બની ગઈ. ત્રિવેણીગંજના લાલપટ્ટીસ્થિત સેન્ટ જૉન બોર્ડિંગ સ્કૂલમાં નર્સરીમાં ભણતો પાંચ વર્ષનો એકલવ્ય કુમાર મંગળવારે સ્કૂલમાં પિસ્ટલ લઈને પહોંચી ગયો હતો એટલું જ નહીં, પ્રાર્થના શરૂ થાય એ પહેલાં તેણે ત્રીજા ધોરણમાં ભણતા ૧૦ વર્ષના વિદ્યાર્થી આસિફ પર ગોળીબાર પણ કર્યો હતો. ડાબા હાથ પર ગોળી વાગતાં વિદ્યાર્થીને હૉસ્પિટલ મોકલીને શાળા તંત્રે બન્ને બાળકના પરિવારને બોલાવ્યો હતો.
શાળાના આચાર્ય બન્ને સાથે વાત કરતા હતા એટલામાં ગોળી ચલાવનારા વિદ્યાર્થીને લઈને તેના પિતા મુકેશ યાદવ ત્યાંથી ભાગી છૂટ્યા. ઘટનાને પગલે ઘાયલ બાળકના રોષે ભરાયેલા પરિવારજનોએ શાળામાં તોડફોડ કરી મૂકી અને ત્રિવેણીગંજ પોલીસે તપાસ શરૂ કરી. જોકે આરોપી બાળક હૉસ્ટેલમાં બેડ નીચે સંતાઈ ગયો હતો. વાતાવરણ શાંત થયું એટલે પોલીસ તેને લઈ આવી. જોકે પિતા હજી ફરાર છે. અત્યારે સ્થિતિ થાળે પડી છે, પરંતુ એકલવ્ય ક્યાંથી પિસ્ટલ લાવ્યો? શા માટે આસિફને ગોળી મારી? જેવા પ્રશ્નો અનુત્તર છે. સાથે-સાથે શાળા તંત્રની ગંભીર બેદરકારી પણ છતી થઈ છે.