સુધરાઈ આવતી કાલે આ ઇમારતનો સર્વે કરશે અને પછી એને તોડી પાડશે
બિલ્ડિંગ
બૅન્ગલોર મહાપાલિકા વિસ્તારમાં માત્ર ૨૫૦ સ્ક્વેર ફીટ વિસ્તારના પ્લૉટમાં ગેરકાયદે ઊભા કરવામાં આવેલા પાંચ માળના બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી આવતી કાલથી શરૂ થવાની છે. બૅન્ગલોર સુધરાઈ સોમવારે એનો સર્વે કરશે અને પછી તોડકામની કામગીરી હાથ ધરવામાં આવશે. બૅન્ગલોરમાં ભારે વરસાદ બાદ તૂટી પડેલા નિર્માણાધીન બિલ્ડિંગમાં આઠ લોકોનાં મૃત્યુ થયા પછી આ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ ગેરકાયદે બિલ્ડિંગ કોઈ પણ જાતની પરવાનગી વિના ઊભું કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગને તોડી પાડવા માટે એનો માલિક તૈયાર છે.
સુધરાઈએ આ બિલ્ડિંગનું વીજળીનું જોડાણ પણ કાપી નાખ્યું છે. હાલમાં આ વિસ્તારની આસપાસના અસલામત સ્ટ્રક્ચરને તોડવાનું કામ ચાલે છે. સુધરાઈ મકાન તોડી પાડશે પછી માલિક કાટમાળને દૂર કરશે. હાલમાં આ બિલ્ડિંગનું બૅરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને સલામતી-વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.