સાદાઈથી થતા સમારોહમાં પવિત્રતા પણ જળવાય છે, જોકે યુવા વર્ગને આ નિર્ણય ગમ્યો નથી.
પ્રતીકાત્મક તસવીર
પંજાબના ભટિંડા જિલ્લાના બલ્લો ગ્રામપંચાયતના સરપંચ અમરજિત કૌરે વિવાહસ્થળે શરાબ નહીં પીરસવા અને ડિસ્ક જૉકી (DJ)થી દૂર રહેનારા પરિવારોને ૨૧,૦૦૦ રૂપિયા રોકડા શગુનરૂપે આપવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ‘આ નિર્ણય ગ્રામીણ લગ્નસમારોહમાં ફાલતુ ખર્ચ અને શરાબખોરીને રોકવા માટે પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે ગામમાં લગ્ન હોય ત્યારે શરાબ છૂટથી પીરસવામાં આવે છે અને DJ દ્વારા ઊંચા વૉલ્યુમે સંગીત વગાડવામાં આવે છે. આને લીધે ઝઘડા થાય છે અને સ્ટુડન્ટ્સને અભ્યાસ કરવામાં મુશ્કેલી થાય છે. અમે લગ્નસમારોહમાં પંજાબી કલ્ચરને પ્રોત્સાહન આપવા માગીએ છીએ. લગ્નસમારોહમાં ઉત્સાહ અને એખલાસનું વાતાવરણ હોવું જોઈએ, એમાં જોર-જોરથી સંગીત વગાડવાની જરૂર નથી.’
આશરે પાંચ હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે આ સાચી દિશામાં લેવાયેલું પગલું છે. ભપકાથી લગ્ન કરવામાં આવે તો પરિવાર પર આર્થિક બોજો વધે છે અને દેવું પણ થઈ જાય છે, સાદાઈથી થતા સમારોહમાં પવિત્રતા પણ જળવાય છે, જોકે યુવા વર્ગને આ નિર્ણય ગમ્યો નથી.