ટ્રેઇની ડૉક્ટરને હૉસ્પિટલમાં દવાઓની ચોરી, સેક્સ-રૅકેટ કે માનવઅંગની દાણચોરીની જાણ થઈ હોવાનો સાથી જુનિયર ડૉક્ટરોને શક.
પુરીના દરિયાકાંઠે કલકત્તાના રેપ-મર્ડર કેસમાં પીડિતાને ન્યાય અપાવવાની તેમ જ ડૉક્ટરો સામે થતા અત્યાચારો બંધ કરવાની માગ સાથે બનાવવામાં આવેલું રેતશિલ્પ.
ટ્રેઇની ડૉક્ટરને હૉસ્પિટલમાં દવાઓની ચોરી, સેક્સ-રૅકેટ કે માનવઅંગની દાણચોરીની જાણ થઈ હોવાનો સાથી જુનિયર ડૉક્ટરોને શક. આ જ કારણસર આ ઘટના સાધારણ લાગે એ માટે બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો CBIને છે ડાઉટ. પૂરતા પુરાવા મળ્યા બાદ વાઇટ કૉલર આરોપીઓને ઝડપી લેવામાં આવશે
કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલનાં ઘણાં ગુપ્ત રહસ્યો ૩૧ વર્ષની ટ્રેઇની જુનિયર ડૉક્ટર જાણી ગઈ હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ ઘટના સાધારણ લાગે એ માટે બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને શક લાગી રહ્યો છે. બીજી તરફ આ ટ્રેઇની ડૉક્ટરના સહકર્મચારીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે હૉસ્પિટલમાં દવાઓની ચોરી, સેક્સ-રૅકેટ કે માનવઅંગની દાણચોરીની જાણ પીડિતાને થઈ હોવી જોઈએ, તે ઘણાં રહસ્યો જાણતી હોવાથી તેને રસ્તામાંથી હટાવવામાં આવી હોવાનું તેઓ માની રહ્યા છે.
ADVERTISEMENT
CBIએ ગઈ કાલે ૧૩ લોકોની પૂછપરછ કરી હતી અને મોટા ભાગના લોકોએ હૉસ્પિટલમાં દવાની ચોરી કે માનવઅંગોની તસ્કરીની આશંકા વ્યક્ત કરી છે. CBIની ટીમે દાવો કર્યો હતો કે આ કેસમાં ઘણા વાઇટ કૉલર ચહેરાઓ ટૂંક સમયમાં બહાર આવશે.
CBIનાં સૂત્રોના કહેવા મુજબ આ કેસ સામાન્ય લાગે એ માટે ડૉક્ટર પર બળાત્કાર કરવામાં આવ્યો છે. મેડિકલ કૉલેજમાં લાંબા સમયથી ત્રણ ડૉક્ટરો સહિત ચાર લોકો દ્વારા ડ્રગ-રૅકેટ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે. એમાં એક રાજકીય પાર્ટીના નેતા અને તેના ભત્રીજાની સંડોવણીની વાત કહેવામાં આવી રહી છે.
હાલમાં ચાલી રહેલી તપાસમાં ત્રણ ડૉક્ટર અને એક ઇન-હાઉસ સ્ટાફનું નામ પણ બહાર આવ્યું છે. તેઓ આ રૅકેટ ચલાવી રહ્યા હોવાનો આરોપ છે.
હૉસ્પિટલમાં દવા, ઉપકરણો અને કચરાના નિકાલ માટેનો કૉન્ટ્રેક્ટ પ્રશાસનના એક નિકટવર્તીય માણસને મળ્યો હતો. જોકે કૉન્ટ્રૅક્ટના નિયમ મુજબ દવાની સપ્લાય થતી નહોતી અને આની જાણકારી પીડિતાને મળી હતી. તેણે આ મુદ્દે ફરિયાદ પણ કરી હતી, પણ આરોપીઓ વગદાર હોવાથી કાર્યવાહી થઈ નહોતી. પીડિતા વૉટ્સઍપ ગ્રુપમાં આ મુદ્દે પુરાવા સાથે ખુલાસો કરવાની તૈયારીમાં હોવાથી તેને રસ્તામાંથી હટાવી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
સતત ૩૬ કલાક સુધી કામ
ટ્રેઇની જુનિયર ડૉક્ટર પાસે સતત ૩૬ કલાક સુધી કામ કરાવવામાં આવતું હોવાનું તેની ડાયરીમાંથી જાણવા મળ્યું છે. તેને સતત કામનું પ્રેશર હતું. સરકારી હૉસ્પિટલોમાં લાંબા ડ્યુટી-કલાકો સામાન્ય બની ગયા છે, આ સિવાય તેમને પનિશમેન્ટ પોસ્ટિંગ પણ અપાતી હતી.
આરોપીને કેવી રીતે જાણ હતી?
એક જુનિયર ડૉક્ટરે આશંકા વ્યક્ત કરી હતી કે રાતે પીડિતા સેમિનાર હૉલમાં એકલી છે એવી જાણ આરોપી સંજૉય રૉયને કેવી રીતે થઈ એ શંકા ઊપજાવે છે. આ કેસમાં મોટી માછલીઓ ઘણી છે જેમણે જુનિયર ડૉક્ટરને રસ્તામાંથી હટાવી છે. રૉય આ કેસમાં નાની માછલી છે. આ સિમ્પલ કેસ નથી, એક સિવિક વૉલન્ટિયર સેમિનાર હૉલ સુધી કેવી રીતે પહોંચી ગયો એની તપાસ થવી જોઈએ.
પ્રિન્સિપાલના જવાબ ગૂંચવણભર્યા
CBIના અધિકારીઓએ ગઈ કાલે સતત ત્રીજા દિવસે કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની પૂછપરછ કરી હતી અને તેમણે આપેલા જવાબ ગૂંચવણભર્યા હોવાનું જાણવા મળે છે. તેમણે આપેલા જવાબો સાથે ટીમ કૉલેજના ડૉક્ટરો, ઇન્ટર્ન અને નર્સની સાથે ચકાસણી કરી રહી છે કે તેઓ સાચું બોલી રહ્યા છે કે ખોટું બોલે છે.
નિર્ભયાની માતાની માગણી : મમતા બૅનરજી લોકોને ગેરમાર્ગે દોરે છે, તે રાજીનામું આપે
કલકત્તા બળાત્કાર અને મર્ડર કેસમાં નિર્ભયાની માતા આશા સિંહે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી આ કેસમાં પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ નીવડ્યાં છે અને રૅલી કાઢી તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે, તેમણે આ કેસના મુદ્દે રાજીનામું આપવું જોઈએ. તેઓ સત્તામાં છે અને સત્તાનો ઉપયોગ કરીને તેમણે પીડિતાને ન્યાય અપાવવો જોઈએ, એને બદલે તેઓ રૅલીઓ કાઢી રહ્યાં છે. તેઓ પોતે એક મહિલા છે અને તેમણે આરોપીઓ સામે સખત હાથે કામ લેવું જોઈતું હતું. બળાત્કારના કેસમાં દોષિતોને તત્કાળ સજા મળે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગંભીર થવાની જરૂર છે, નહીંતર આવી ઘટનાઓ બનતી જ રહેશે. મેડિકલ કૉલેજોમાં જ ડૉક્ટરો સુરક્ષિત ન હોય તો બીજે ક્યાં સુરક્ષાની આશા રાખી શકીએ?’
ભારતમાં દર કલાકે ચાર મહિલા પર બળાત્કાર
૨૦૧૭થી ૨૦૨૨ વચ્ચેના સમયગાળાના નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોના આંકડા જણાવે છે કે ભારતમાં રોજ બળાત્કારના ૮૬ કેસ નોંધાય છે, મતલબ કે દર કલાકે ચાર મહિલા પર બળાત્કાર થાય છે અને ૯૫ ટકા કેસમાં આરોપી મહિલાનો પરિચિત હોય છે, ૧૮થી ૩૦ વર્ષની મહિલાઓ પર સૌથી વધારે બળાત્કાર થાય છે. આ સમયગાળા દરમ્યાન ૧.૮૯ લાખ બળાત્કારના કેસ નોંધાયા હતા અને એમાં ૧.૭૯ લાખ કેસમાં આરોપી મહિલાનો પરિચિત હતો. માત્ર ૯૬૭૦ કેસમાં અજાણ્યા આરોપીએ બળાત્કાર કર્યો હતો. કામકાજના સ્થળે રોજ એક મહિલા પર બળાત્કાર થાય છે.
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
કલકત્તાની ઘટના સંદર્ભે સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લીધી છે અને ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ત્રણ સભ્યોની એક બેન્ચ ગઠિત કરી છે જે મંગળવારે સુનાવણી કરશે. આ બેન્ચના અન્ય બે સભ્યોમાં જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા છે. સવારે ૧૦.૩૦ વાગ્યે આ મુદ્દે સુનાવણી થશે.