કાર્તિકેયન ૧૫ વર્ષથી એક સૉફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો
પ્રતીકાત્મક તસવીર
ચેન્નઈના ઓલ્ડ મહાબલીપુરમ રોડ પર આવેલા તંજાવુર વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષના સૉફ્ટવેર એન્જિનિયર કાર્તિકેયને ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી લીધી હતી. તેણે શરીર પર વીજળીના તાર લપેટી દીધા હતા અને પછી સ્વિચ ઑન કરી દીધી હતી એટલે વીજળીનો કરન્ટ લાગવાથી તેનું મૃત્યુ થયું હતું. કાર્તિકેયન ૧૫ વર્ષથી એક સૉફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો અને મૂળ થેની જિલ્લાનો રહેવાસી હતો. થોડા સમય પહેલાં જ તેણે નોકરી બદલી હતી. તેણે સુસાઇડ-નોટ લખી છે, જેમાં ઘરના દરેક મેમ્બર માટે મેસેજ લખ્યો છે.
ગયા બે મહિનાથી તેના પર એક હૉસ્પિટલ દ્વારા ઉપચાર ચાલી રહ્યો હતો. સોમવારે તેની પત્ની કે. જયારાની ૩૦૦ કિલોમીટર દૂર આવેલા તિરુનલ્લુર મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. તેણે તેનાં ૧૦ અને ૮ વર્ષનાં બન્ને બાળકોને તેની મમ્મીના ઘરે મોકલી દીધાં હતાં. ગુરુવારે રાતે તેણે ઘરે આવીને દરવાજો ખખડાવ્યો, પણ કોઈ ઉત્તર ન મળતાં સ્પેર ચાવીથી ઘર ખોલ્યું હતું અને એ સમયે તેણે પતિને મૃત અવસ્થામાં જોયો હતો. તેણે પોલીસને બોલાવી હતી. પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.