આંધ્રપ્રદેશ-પ.બંગાળ બાદ હવે છત્તીસગઢમાં CBIને નો એન્ટ્રી
આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ હવે છત્તીસગઢમાં સીબીઆઈ માટે નો એન્ટ્રી થઈ છે. તાજેતરમાં જ બનેલી ભૂપેશ બધેલની સરકારે સીબીઆઈને તપાસ માટે આપેલી પરવાનગી પાછી ખેંચી લીધી છે. ગઈકાલે આલોક વર્માને સીબીઆઈ ડિરેક્ટરના પદ પરથી હટાવ્યા બાદ છત્તીસગઢ સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કોર્ટે કેન્દ્ર સરકારના સીબીઆઈ ડિરેક્ટરને રજા પર મોકલવાના નિર્ણયને ખોટો ઠેરવ્યો હતો.
મળતી માહિતી મુજબ છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલની સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને સીબીઆઈને રાજ્યમાં કોઈ નવો કેસ નહીં કરવા આદેશ આપવાની માગ કરી છે. જે બાદ સીબીઆઈએ હવે અદાલતના આદેશ સિવાય અન્ય કોઈ પણ કેસની તપાસ કરવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી બનશે. સીબીઆઈ દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્ટ અંતર્ગત કામ કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ CBI ચીફના પદેથી આલોક વર્માની છુટ્ટી, સિલેક્શન કમિટીની બેઠકમાં નિર્ણય
ઉલ્લેખનીય છે કે આ પહેલા આંધ્રપ્રદેશે પણ સીબીઆઈને તપાસની પરવાનગી રદ કરી હતી. આંધ્રપ્રદેશના આ નિર્ણય બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે પણ તેનું સમર્થન કરતા સીબીઆઈને અપાયેલી પરવાનગી પાછી ખેંચી લીધી હતી.