આ પ્રદેશમાં લોકોમાં રસી વિશેની ગેરસમજને કારણે રસીકરણને ટાળવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મહેસાણા (પી.ટી.આઇ.) : ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઓરીના ૯૧ શંકાસ્પદ કેસ ડિટેક્ટ થયા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં આરોગ્ય તપાસ દરમ્યાન ઓરીના આટલા શંકાસ્પદ કેસ બહાર આવ્યા છે.
મહેસાણાના જિલ્લા રોગચાળા અધિકારી વિનોદ પટેલે કહ્યું હતું કે ‘વડનગર તાલુકાના મોલિપુર ગામ અને કડી ટાઉનના એક ભાગમાંથી શંકાસ્પદ કેસનાં સૅમ્પલ્સ વધુ ટેસ્ટિંગ માટે અમદાવાદની એક લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે અને એના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રદેશમાં લોકોમાં રસી વિશેની ગેરસમજને કારણે રસીકરણને ટાળવામાં આવે છે. જેને કારણે અહીં ઓરીના શંકાસ્પદ કેસમાં વધારો થયો હોઈ શકે છે. અમે રસીકરણની ઝુંબેશ હાથ ધરી છે અને ટ્રીટમેન્ટ તરીકે વિટામિન ‘એ’ની ટૅબ્લેટ્સ વહેંચી છે.’