એક સ્ટડી અનુસાર દેશમાં ૮૦ ટકા સાઇબર ક્રાઇમ્સ તો ટોચના ૧૦ જિલ્લામાં જ થાય છે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં સાઇબર ક્રાઇમનાં કુખ્યાત હૉટસ્પૉટ્સ તરીકે રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરાએ ઝારખંડના જામતારા અને હરિયાણાના નૂંહને રિપ્લેસ કર્યાં છે. આઇઆઇટી કાનપુરના સપોર્ટથી ચાલતા એક સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવેલા એક નવા સ્ટડીનાં આ તારણો છે. આ સ્ટડીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દેશમાં ૮૦ ટકા સાઇબર ક્રાઇમ્સ તો ટોચના ૧૦ જિલ્લામાં જ થાય છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી કાનપુરના સપોર્ટથી ચાલતા નૉન-પ્રૉફિટ સ્ટાર્ટઅપ ફ્યુચર ક્રાઇમ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા એના લેટેસ્ટ વાઇટ પેપર ‘અ ડીપ ડાઇવ ઇન ટુ સાઇબર ક્રાઇમ ટ્રેન્ડ્સ ઇમ્પેક્ટિંગ ઇન્ડિયા’માં આ તારણો રજૂ કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
ફ્યુચર ક્રાઇમ રિસર્ચ ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર હર્ષવર્ધન સિંહે કહ્યું હતું કે ‘અમારું ઍનૅલિસિસનું ફોકસ જ્યાં સૌથી વધુ પ્રમાણમાં સાઇબર ક્રાઇમ્સ થાય છે એવા ભારતમાં ટોચના ૧૦ જિલ્લાઓ પર હતું. સાઇબર ક્રાઇમ્સને અટકાવવા માટે આ જિલ્લાઓમાં સાઇબર ક્રાઇમ્સ માટેનાં મહત્ત્વનાં ફૅક્ટર્સને સમજવાં જરૂરી છે. જેની વાઇટ પેપરમાં ઓળખ કરવામાં આવી છે.’
તેમણે જણાવ્યું હતું કે આ જિલ્લાઓમાં મુખ્ય અર્બન સેન્ટર્સથી ઓછું અંતર, મર્યાદિત સાઇબર સિક્યૉરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક પડકારો અને ડિજિટલ સાક્ષરતાનું ઓછું પ્રમાણ જેવાં અનેક કૉમન ફૅક્ટર્સ છે.
હર્ષવર્ધન સિંહે વધુમાં કહ્યું હતું કે આ જિલ્લાઓમાં સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે લોકોમાં અવેરનેસ લાવવા કૅમ્પેન અને કાયદાના પાલન માટે રિસોર્સિસ મહત્ત્વનાં છે.
સાઇબર ક્રાઇમ્સમાં ટોચના ૧૦ જિલ્લા
ભરતપુર (૧૮ ટકા)
મથુરા (૧૨ ટકા)
નૂહ (૧૧ ટકા)
દેવધર (૧૦ ટકા)
જામતારા (૯.૬ ટકા)
ગુરુગ્રામ (૮.૧ ટકા)
અલવર (૫.૧ ટકા)
બોકારો (૨.૪ ટકા)
કરમા તંદ (૨.૪ ટકા)
ગિરિદિહ (૨.૩ ટકા)