સંવિધાન દિવસની ઉજવણીમાં નરેન્દ્ર મોદીએ કહ્યું…
ગઈ કાલે દિલ્હીના સંવિધાન સદનમાં સંવિધાન દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભારતીય બંધારણનું પ્રીએમ્બલ વાંચતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા તથા અન્યો.
બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં આયોજિત સમારોહમાં બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘આપણું બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્યનું માર્ગદર્શક છે. છેલ્લાં ૭૫ વર્ષમાં દેશ સામે ઘણા પડકાર આવ્યા છે, પણ આપણા બંધારણે દરેક પડકારમાં સમાધાનનો યોગ્ય માર્ગ બતાવ્યો છે. બંધારણે કટોકટીનો પણ સામનો કર્યો છે અને બંધારણથી મળેલી શક્તિને કારણે જ આજે જમ્મુ અને કાશ્મીરમાં પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું બંધારણ સંપૂર્ણ રીતે લાગુ થયું છે. આજે પહેલી વાર જમ્મુ અને કાશ્મીરમાં બંધારણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
સંવિધાન સદનના કાર્યક્રમમાં સેલ્ફી લેતી કંગના રનૌત
બંધારણસભાની ચર્ચામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે જણાવ્યું હતું કે બંધારણ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી, પણ એની ભાવના યુગની ભાવના છે. બંધારણની મૂળ પ્રતમાં ભગવાન રામ અને માતા સીતાની તસવીરો છે એ એટલા માટે છે કે એ આપણને માનવીય મૂલ્યોની યાદ દેવડાવતી રહે.
સંવિધાન દિવસ નિમિત્તેના કાર્યક્રમમાં પોતાના પક્ષના ભૂતપૂર્વ સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે રાહુુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે.
એ માનવીય મૂલ્યો આજે ભારતની નીતિઓ અને નિર્ણયોનો આધાર છે.’
તિહાડ જેલના કેદીએ બનાવેલું પેઇન્ટિંગ ચીફ જસ્ટિસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપ્યું
સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે ગઈ કાલે ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ તિહાડ જેલમાં સજા કાપી રહેલા અને વ્યવસાયે કલાકાર એવા કેદી દ્વારા તૈયાર કરવામાં આવેલું પેઇન્ટિંગ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું હતું. આ કલાકારે સુંદર મોરનું ચિત્ર તૈયાર કર્યું હતું.
૨૬ નવેમ્બરે કેમ ઊજવવામાં આવે છે સંવિધાન દિવસ?
દર વર્ષે ૨૬ નવેમ્બરને ભારતના બંધારણ દિવસ કે સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે, કારણ કે ૧૯૪૯માં આ દિવસે બંધારણને અપનાવવામાં આવ્યું હતું. ભારતના બંધારણને ૧૯૫૦માં ૨૬ જાન્યુઆરીએ અમલમાં લાવવામાં આવ્યું હતું અને એ દિવસથી ભારત પ્રજાસત્તાક બન્યું હતું. અગાઉ આ દિવસને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવતો હતો પણ ૨૦૧૫માં સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે એને બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવશે.
આ દિવસનું મહત્ત્વ શું છે?
આ દિવસનો ઉદ્દેશ બંધારણ અને ડૉ. આંબેડકરનાં મૂલ્યો અને માન્યતાઓનું સન્માન કરવાનો છે જે ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની જરૂરિયાત અને રાષ્ટ્રીય એકતાની ભાવના પર ભાર મૂકે છે. આ દિવસ બંધારણના સિદ્ધાંતો અને લોકશાહીના મહત્ત્વને ફરીથી સ્થાપિત કરવાનો છે. એ ભારતના નાગરિકોને તેમની નાગરિક ફરજોમાં જોડાવા અને દેશના તમામ લોકો માટે ન્યાયી, સમાવિષ્ટ અને સમાન સમાજ બનાવવાની દિશામાં કામ કરવાનો નિર્દેશ કરે છે.
ડૉ. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ
આ વર્ષે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતી ઊજવવામાં આવશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુપ્રીમ કોર્ટના પરિસરમાં સાત ફીટની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમામાં ડૉ. આંબેડકરને વકીલના પોશાકમાં દર્શાવવામાં આવશે અને તેમના હાથમાં ભારતીય બંધારણની પ્રત રહેશે. આ પ્રતિમા ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા દેશને આપવામાં આવેલા યોગદાનને સ્થાયી શ્રદ્ધાંજલિ તરીકે ચિહ્નિત કરશે.
ભારતીય બંધારણનો ઇતિહાસ શું છે?
ધ ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ, ૧૯૩૫ પછી જોગવાઈઓનો એક વ્યવસ્થિત સમૂહ બનાવવાની જરૂર હતી જે એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક તરીકે ભારતને ચિહ્નિત કરે. આવું કરવા માટે રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં ૧૯૪૬ના ડિસેબરમાં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. ડ્રાફ્ટિંગ કમિટીને બંધારણનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને એનું નેતૃત્વ આંબેડકરે કર્યું હતું. આ દસ્તાવેજ તૈયાર કરવા માટે બે વર્ષનો સમય લાગ્યો હતો અને એમાં ૧૧ સત્રમાં વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો અને છેવટે ૧૯૪૯ની ૨૬ નવેમ્બરે એને અપનાવવામાં આવ્યું હતું.