સૂચિત રોપવેના વિરોધમાં ૭૨ કલાકની હડતાળમાં સ્થાનિક દુકાનદારો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, હોટેલમાલિકો, ટટ્ટુ અને પાલખીવાળાઓએ તેમના વ્યવસાય બંધ કરી દીધા
રોપવેના વિરોધમાં ગઈ કાલે કટરામાં એક બંધ માર્કેટ પર કાળા વાવટા જોવા મળ્યા હતા
માતા વૈષ્ણોદેવીના ધામ કટરામાં બાંધવામાં આવનારા સૂચિત રોપવેના વિરોધમાં સ્થાનિક લોકોએ બુધવારથી શરૂ કરેલા ૭૨ કલાકના શટડાઉનનો આજે ત્રીજો દિવસ છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરામાં તારાકોટથી સાંઝી છત સુધી રોપવે બાંધવાના પ્રોજેક્ટનો સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને ઘોડા-ખચ્ચરવાળા વિરોધ કરી રહ્યા છે. આ પહેલાં પણ આ રીતે બંધનું આયોજન કરવામાં આવ્યું હતું.
૭૨ કલાકના બંધનું એલાન શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે. ગઈ કાલે બીજા દિવસે સ્થાનિક દુકાનદારો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, હોટેલમાલિકો, ટટ્ટુ અને પાલખીવાળાઓએ તેમના વ્યવસાય બંધ રાખ્યા હોવાથી કટરાનો પ્રવૃત્તિથી ધમધમતો વિસ્તાર ભેંકાર દેખાતો હતો. આના કારણે માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરવા આવેલા હજારો ભાવિકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેમને જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં પણ તકલીફ પડી હતી.
ADVERTISEMENT
રોપવેનો વિરોધ કરનારા સ્થાનિક દુકાનદારો, ટટ્ટુ અને પાલખીવાળા, હોટેલિયરો અને ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે આ રોપવેને કારણે તેમના ધંધાને માઠી અસર પડશે એટલે ૩૦૦ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવે.
શું છે આ પ્રોજેક્ટ?
આ રોપવે કટરાની બહાર આવેલા તારાકોટને માત્ર ૨.૫ કિલોમીટર દૂર આવેલા માતા વૈષ્ણોદેવી ધામના સાંઝી છતને જોડશે. આમ ૧૪ કિલોમીટર લાંબો ટ્રેક ઓછો થશે અને હાલના કટરા બાણગંગા-અર્ધકુમારી રૂટને બાયપાસ કરશે. વિરોધકોનું કહેવું છે કે એના કારણે જૂના માર્ગ પર આવેલા બિઝનેસ ઠપ થઈ જશે.