૭૦૦૦ હુમલાખોરો એકાએક ચાલીને હૉસ્પિટલમાં ઘૂસી ન શકે
ગઈ કાલે મમતા બૅનરજીની આગેવાનીમાં TMCએ રૅલી કાઢીને કલકત્તાની હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટરનું રેપ-મર્ડર કરનારા નરાધમને ફાંસીની સજા કરવાની માગણી કરી હતી.
કલકત્તામાં રાધે ગોવિંદ (RG) કર હૉસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને તેની હત્યાના મુદ્દે પશ્ચિમ બંગાળમાં જોરદાર ઘમસાણ ચાલી રહ્યું છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ એક રૅલીમાં હૉસ્પિટલમાં ગુરુવારે થયેલી તોડફોડ માટે ડાબેરી પક્ષો અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આરોપ મૂક્યો હતો ત્યારે બીજી તરફ કલકત્તા હાઈ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે ૭૦૦૦ લોકો કંઈ ચાલીને અચાનક હૉસ્પિટલમાં ઘૂસી ન શકે, આ રાજ્ય પ્રશાસનની નિષ્ફળતા છે.
કલકત્તા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે રાજ્ય સરકારની સખત શબ્દોમાં આકરી ટીકા કરતાં કહ્યું કે ‘શહેરની પોલીસ ખુદને બચાવી શકે એવી સ્થિતિમાં નહોતી. એવા સમયે ડૉક્ટરો કેવી રીતે નિર્ભય થઈને કામ કરી શકે? ૭૦૦૦ લોકો કેવી રીતે એકાએક હૉસ્પિટલમાં ઘૂસી શકે? પોલીસ અને રાજ્ય સરકાર પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં નિષ્ફળ નીવડી છે. આવી ઘટનાઓ ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફના નૈતિક જુસ્સાને ગંભીર અસર પાડી શકે છે. રાજ્યમાં હેલ્થ પ્રોફેશનલની સુરક્ષા જાળવવી એ રાજ્ય સરકારનું કામ છે.’ જ્યાં ઘટના બની હતી એ સ્થળ એકદમ બરાબર છે એને પુરવાર કરવા કોર્ટે ફોટોગ્રાફ માગ્યા છે. કલકત્તા પોલીસે હૉસ્પિટલમાં કરવામાં આવેલી તોડફોડના કેસમાં ૨૪ વ્યક્તિની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આર. જી. કર હૉસ્પિટલનાં નવાં પ્રિન્સિપાલ સ્ટુડન્ટ્સ પર ગુસ્સે થઈ ગયાં, કહ્યું કે મારી પાસે કોઈ અપેક્ષા ન રાખો
કલકત્તાની રાધા ગોવિંદ (RG) કર હૉસ્પિટલનાં નવાં પ્રિન્સિપાલ સુહરિતા પાલે ગઈ કાલે પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સ અને ડૉક્ટરોની માગણી સામે ગુસ્સો દર્શાવ્યો હતો અને કહી દીધું હતું કે જો તમે મારા પર ભરોસો કરી શકતા ન હો તો મારી પાસે કોઈ અપેક્ષા રાખશો નહીં. સુહરિતા પાલ રાજ્ય સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં હતાં અને તેમને ડૉ. સંજય ઘોષના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેમની નિમણૂકને ત્રણ દિવસ થયા છે એમાં બુધવારે મધરાતે હૉસ્પિટલમાં થયેલી તોડફોડ અને ડૉક્ટરો પર થયેલા હુમલા બાબતે પ્રદર્શનકારી સ્ટુડન્ટ્સ અને ડૉક્ટરોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘મને ઑફિશ્યલ કામ કરવા માટે એક કલાકની જરૂર છે. તમારે મારા પર વિશ્વાસ કરવો પડશે. હું ક્યાંય નહીં જાઉં. જો તમે મારા પર એક કલાક માટે પણ ભરોસો કરી શકતા નથી તો મને ઘરે મોકલી શકો છો.’ સુહરિતા પાલનો ઇશારો ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ તરફ હતો જેમને હાઈ કોર્ટે લાંબી રજા પર ઉતારી દીધા છે. ડૉ. સંદીપ ઘોષે રાજીનામું આપ્યાના ૧૨ કલાકમાં નૅશનલ મેડિકલ કૉલેજમાં પ્રિન્સિપાલ નિયુક્ત કરાયા હતા.
મમતા બૅનરજીની રૅલી
ગઈ કાલે મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કલકત્તામાં એક રૅલીનું આયોજન કર્યું હતું અને એને સંબોધતાં આરોપ લગાવ્યો હતો કે હૉસ્પિટલમાં કરવામાં આવેલી તોડફોડ પાછળ ડાબેરી પક્ષો અને BJPનો હાથ છે. પશ્ચિમ બંગાળમાં ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ મમતા બૅનરજીના જ હાથમાં છે. તેમણે રૅલીને સંબોધતાં કહ્યું હતું કે ‘અમે ઇચ્છીએ છીએ કે સત્ય બહાર આવે, પણ કેટલાંક તત્ત્વો લોકોને ગેરમાર્ગે દોરવા માટે જૂઠ ફેલાવી રહ્યાં છે. સત્ય છુપાવવા માટે હુમલા કરવામાં આવી રહ્યા છે અને સોશ્યલ મીડિયામાં બનાવટી ન્યુઝ પ્રસારિત થઈ રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે આરોપીઓને સજા થાય. હૉસ્પિટલમાં ડાબેરીઓ અને BJPએ તોડફોડ કરાવી છે. તેઓ બંગાળમાં અશાંતિ ઊભી કરવા માગે છે. એ માટે તેઓ સાથે થઈ ગયાં છે. હૉસ્પિટલમાં તોડફોડ કરનારાં તત્ત્વો બહારનાં હતાં. મારી પાસે એના ઘણા વિડિયો છે.’ જોકે આ મુદ્દે BJPના સુવેન્દુ અધિકારીએ જવાબ આપતાં કહ્યું કે ‘એ ગુંડાઓને મમતા બૅનરજીએ મોકલ્યા હતા. પોલીસે તેમને જવા દીધા હતા. પોલીસ મૂક દર્શક બની રહી અથવા ભાગી ગઈ હતી.’