દેશમાં પ્રથમ વાર જમ્મુ-કાશ્મીરમાં ૫૯ લાખ ટન લિથિયમનો જથ્થો મળી આવ્યો, લિથિયમ ઇલેક્ટ્રિક વાહનોની બૅટરીમાં વપરાતું મુખ્ય કમ્પોનન્ટ છે
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (એ.એન.આઇ.) : દેશમાં પ્રથમ વાર જમ્મુ-કાશ્મીરમાં ૫૯ લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો હોવાનું કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું. લિથિયમ ઇલેક્ટ્રિક વાહનોની બૅટરીમાં વપરાતું મુખ્ય ઘટક છે. જેના કારણે જ હવે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. લિથિયમને ‘સફેદ સોનુ’ પણ કહેવામાં આવે છે. કેમ કે એ આધુનિક જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ જરૂરી વસ્તુઓમાં એ કામ આવે છે.
જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (જીએસઆઇ)એ પ્રથમ વાર જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હેમાન વિસ્તારમાં ૫૯ લાખ ટન લિથિયમનાં ભંડાર હોવાની ખાતરી કરી છે. ખાણ મંત્રાલયે ગુરુવારે વધુ જણાવ્યું હતું કે લિથિયમ અને સોના સહિત કુલ ૫૧ ખનીજ બ્લૉક્સ સંબંધિત રાજ્ય સરકારોને સોંપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ખનીજના ૫૧ બ્લૉક્સમાંથી પાંચ બ્લૉક્સ સોનાના છે, જ્યારે અન્ય બ્લૉક્સ પોટાશ, મોલિબ્ડેનમ, બેઝ મેટલ વગેરેના છે, જે જમ્મુ-કાશ્મીર, (કેન્દ્રશાસિત પ્રદેશ), આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, તામિલનાડુ અને તેલંગણ જેવાં ૧૧ રાજ્યોમાં ફેલાયેલા છે એમ મંત્રાલયે ઉમેર્યું હતું.
જીએસઆઇ દ્વારા ફીલ્ડ સીઝન ૨૦૧૮-૧૯થી અત્યાર સુધીની કામગીરીના આધારે બ્લૉક્સ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુલ ૭૮૯.૭ કરોડ ટન સંસાધનો ધરાવતા કોલ અને લિગ્નાઇટના ૧૭ રિપોર્ટ્સ કોલસા મંત્રાલયને સોંપવામાં આવ્યા હતા. આ મીટિંગમાં જીએસઆઇ ઑપરેટ કરે છે એવાં વિવિધ થીમ અને ઇન્ટરવેન્શન એરિયા પરનાં ૭ પબ્લિકેશન્સ પણ જાહેર કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો: લિથિયમ, સોનાના બ્લૉક અને બેઝ મેટલ... J&Kના રહેવાસી વિસ્તારમાંથી મળ્યો ખજાનો
લિથિયમની માગ
લિથિયમ ઇલેક્ટ્રિક વાહનોની બૅટરીમાં વપરાતું મુખ્ય કમ્પોનન્ટ છે. ભારત હાલમાં લિથિયમ, નિકલ અને કોબાલ્ટ સહિત મોટા ભાગનાં ખનીજની આયાત કરે છે. ખાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ નવી ટેક્નૉલૉજી માટે મહત્ત્વપૂર્ણ ખનીજ સપ્લાય ચેઇનમાં સુધારો કરવા સરકાર ઑસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના પાસેથી ખનીજ વિશેષ કરીને લિથિયમ મેળવવા માટે સક્રિય પગલાં લઈ રહી છે.
આ મોટી બાબત કેમ છે?
અહીં ૬૨મી સેન્ટ્રલ જિયોલૉજિકલ પ્રોગ્રામિંગ બોર્ડમાં સંબોધતા માઇન્સ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે કહ્યું હતું કે ‘જટિલ ખનીજોની આવશ્યકતા સોલર પૅનલ હોય કે સેલ ફોન, લગભગ બધે જ હોય છે. દેશને સ્વનિર્ભર બનવા માટે મહત્ત્વનાં ખનીજો શોધવા અને એને પ્રોસેસ કરવા ઘણાં જરૂરી છે.
આર્જેન્ટિના, બોલિવિયા અને ચિલી આ ત્રણ દક્ષિણ અમેરિકન દેશોમાં ૫૦ ટકા ભંડારો રહેલા છે. જે લિથિયમ ટ્રાએંગલએ છે, જ્યાં વિશ્વના મોટા ભાગના લિથિયમ ભંડાર સ્થિત છે. બીજી બાજુ, ચીન વિશ્વના ૭૫ ટકા લિથિયમ રિફાઇનિંગના ઇન્ચાર્જ સાથે અન્ય રાષ્ટ્રો પર સરસાઈ ધરાવે છે.
ઇલેક્ટ્રિક કાર માટેનો એક માત્ર વિકલ્પ લિથિયમ બૅટરી છે. લિથિયમ બૅટરી વિવિધ તાપમાનમાં પણ વધુ સારી રીતે કામ કરે છે અને વધુ ઊર્જા-કાર્યક્ષમ છે. પરિણામે એ અન્ય પ્રક્રિયાઓ કરતાં સલામત અને વધુ ભરોસાપાત્ર છે.
આ જ કારણ છે કે લિથિયમનો જથ્થો મળવો એ ઘણી મોટી વાત છે, કેમ કે ૨૦૩૦ સુધીમાં દેશનાં કુલ વાહનોમાંથી ૩૦ ટકા જેટલાં ઇલેક્ટ્રિક વાહનો રહે એવી ભારતની મહત્ત્વાકાંક્ષામાં મુખ્ય ખનીજ ઘટક લિથિયમ છે. હાલમાં દેશમાં વેચાતી તમામ નવી કારમાંથી ૧ ટકા કરતાં પણ ઓછી કાર ઇલેક્ટ્રિક વાહનો છે.