સાઉદી અરેબિયામાં ૨૬૩૩, UAEમાં ૨૫૧૮ અને નેપાલમાં ૧૩૧૭ ભારતીયો હાલમાં કારાવાસમાં
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૦ બાદ ૫૦ ભારતીયોને આપવામાં આવી છે ફાંસી, કુવૈતમાં સૌથી વધુ પચીસ ભારતીયોને મૃત્યુદંડ અપાયો
કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે વિદેશોની જેલમાં વિચારાધીન કેદીઓ સહિત કુલ ૧૦,૧૫૨ ભારતીયો છે જેમાંથી ૪૯ને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં સૌથી વધારે પચીસ ભારતીયોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
ADVERTISEMENT
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના રાજ્યસભાના સંસદસભ્ય અબ્દુલ વહાબે વિદેશ મંત્રાલયને પૂછ્યું હતું કે વિદેશની જેલમાં કેટલા ભારતીયો બંધ છે અને એમાંથી કેટલાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે અને આવા ભારતીયોનો જીવ બચાવવા માટે ભારત સરકાર કોઈ પગલાં ઉઠાવી રહી છે કે નહીં.
શું આપ્યો જવાબ?
વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે લેખિત સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘૧૦,૧૫૨ પૈકી સાઉદી અરેબિયામાં સૌથી વધારે ૨૬૩૩, UAEમાં ૨૫૧૮ અને નેપાલમાં ૧૩૧૭ ભારતીયો જેલમાં છે. આ સિવાય કતરમાં ૬૧૧, કુવૈતમાં ૩૮૭, મલેશિયામાં ૩૩૮, પાકિસ્તાનમાં ૨૬૬, ચીનમાં ૧૭૩, અમેરિકામાં ૧૬૯, ઓમાનમાં ૧૪૮, રશિયા અને મ્યાનમારમાં ૨૭-૨૭ ભારતીયો જેલમાં બંધ છે.
કેટલાને ફાંસીની સજા થઈ?
વિદેશ રાજ્ય પ્રધાને આઠ દેશોમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીયોના આંકડા આપ્યા હતા જેમાં UAEમાં પચીચ, સાઉદી અરેબિયામાં ૧૧, મલેશિયામાં ૬, કુવૈતમાં ૩ અને ઇન્ડોનેશિયા, કતર, અમેરિકા અને યમનમાં ૧-૧ ભારતીયને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
સરકાર કરે છે મદદ
ભારત સરકાર વિદેશની જેલોમાં બંધ ભારતીયો સહિત વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા અને કલ્યાણને પ્રાથમિકતા આપે છે. ફાંસીની સજા પામેલા ભારતીયોને દયાની અપીલ કરવા કે સજા સામે અપીલ કરવામાં મદદ કરવામાં આવે છે. તેમને કૉન્સ્યુલર ઍક્સેસ પણ આપવામાં આવે છે.

