બૅન્ગલોરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમમાં ૪૫ સ્કૂટર બળીને ખાખ: ૨૦ વર્ષની રિસેપ્શનિસ્ટનું થયું મોત
ઘટનાસ્થળ
કર્ણાટકની રાજધાની બૅન્ગલોરમાં મંગળવારે સાંજે ૫.૩૦ વાગ્યે રાજકુમાર રોડ પર આવેલા ઇલેક્ટ્રિક સ્કૂટરના એક શોરૂમમાં એકાએક આગ ફાટી નીકળતાં શોરૂમમાં કામ કરતી ૨૦ વર્ષની પ્રિયા નામની રિસેપ્શનિસ્ટનું મૃત્યુ થયું હતું અને આશરે ૪૫ ઇલેક્ટ્રિક સ્કૂટરો બળીને ખાખ થયાં હતાં.
મળતી માહિતી મુજબ શોરૂમમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ થઈ રહ્યું હતું ત્યારે એમાં આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગ આખા શોરૂમમાં ફેલાઈ હતી. એ સમયે શોરૂમમાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ દોડીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા પણ પ્રિયા આગની જ્વાળાઓમાં ફસાઈ ગઈ હતી અને બહાર નીકળી શકી નહોતી. તેનું સળગી જવાથી મૃત્યુ થયું હતું.
ફાયર-બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી પણ તેઓ પ્રિયાને બચાવી નહોતા શક્યા.