NIAના અધિકારીઓ અમેરિકાથી સ્પેશ્યલ પ્લેનમાં તેને લઈને ગઈ કાલે સાંજે ૬.૨૨ વાગ્યે દિલ્હી પહોંચ્યા
ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટ પર તહવ્વુર હુસેન રાણા સાથે NIAના અધિકારીઓ.
મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલા હુમલાના ૬૪ વર્ષના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને ગઈ કાલે સાંજે ૬.૨૨ વાગ્યે અમેરિકાથી સ્પેશ્યલ પ્લેનમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓ લઈને આવ્યા હતા.
ઍરપોર્ટ પર આવીને ત્યાં હાજર રહેલા NIAના બીજા અધિકારીઓએ તહવ્વુર રાણાની ધરપકડની પ્રક્રિયા શરૂ કરી હતી. ઍરપોર્ટ પર જ ભારતના દુશ્મનની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે રાતે દિલ્હીમાં ઍરપોર્ટથી પટિયાલા હાઉસ કોર્ટ સુધીના ૧૬ કિલોમીટરના રસ્તા પરનાં તમામ રેડ સિગ્નલોને ગ્રીન કરી નાખવામાં આવ્યાં હતાં. કોર્ટમાં હાજર કર્યા બાદ તહવ્વુર રાણાને તિહાડ જેલમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં આ દેશના દુશ્મન માટે સ્પેશ્યલ સેલ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
મુંબઈ હુમલામાં ઘાયલ થયેલા ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર સદાનંદ દાતે અત્યારે NIAના ચીફ છે અને તહવ્વુર રાણાની તેઓ જ પૂછપરછ કરવાના છે. ૨૦૦૮માં તેઓ ક્રાઇમ બ્રાન્ચ સાથે જોડાયેલા હતા અને હુમલાની જાણ થયા બાદ પોતાની નાની ટીમ સાથે હૉસ્પિટલ પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. ત્યાં કસાબ અને તેના સાથીએ કરેલા ફાયરિંગમાં તેઓ ઘાયલ થયા હતા. NIA તરફથી ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (DIG) જયા રાય, સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ પ્રભાત કુમાર અને ઇન્સ્પેક્ટર જનરલ આશિષ બત્રા તહવ્વુર રાણાને અમેરિકાથી લઈને આવ્યા હતા.
તહવ્વુર રાણા પાકિસ્તાન આર્મીમાં ડૉક્ટર હતો. ૧૯૯૭માં તે ફૅમિલી સાથે પાકિસ્તાનથી કૅનેડા સેટલ થયો હતો. જોકે કૅનેડામાં રહીને તેણે આતંકી ગતિવિધિ શરૂ કરી હતી અને ડેવિડ હેડલી સાથે મળીને કાવતરાંઓ ઘડીને એને અંજામ આપવાનું કામ કરતો હતો.
કોણ રીપ્રેઝન્ટ કરશે તહવ્વુર રાણાને?
ઍડ્વોકેટ પીયૂષ સચદેવા કોર્ટમાં તહવ્વુર રાણાને રીપ્રેઝન્ટ કરવાના છે. દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસિસ ઑથોરિટીએ પીયૂષ સચદેવાની નિયુક્તિ કરી છે. ગઈ કાલે સાંજથી જ તેઓ પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી ગયા હતા. પોતાની સુરક્ષાનાં કારણોસર તેમણે પોતાનો ફોટો પ્રસારિત નહીં કરવાના અનુરોધ કર્યો છે.
NIAએ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું
છેલ્લાં ઘણાં વર્ષોના અથાગ પ્રયાસોના પરિણામે NIA ૨૬/૧૧ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને ગુરુવારે પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં સફળ રહી છે. ભારત-અમેરિકા વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની પ્રક્રિયા દરમ્યાન રાણા અમેરિકામાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં હતો. પોતાને ભારત લાવવામાં ન આવે એના માટે તમામ કાયદાકીય દાવપેચ અજમાવીને એમાં તેને નાકામી મળ્યા બાદ પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે.
આમ તો કૅલિફૉર્નિયાની કોર્ટે ૨૦૨૩ની ૧૬ મેએ જ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો, પણ ત્યાર બાદ તેણે ત્યાંની ડિસ્ટ્રિક્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં મલ્ટિપલ અપીલ દાખલ કરી હતી, પણ બધી રિજેક્ટ કરવામાં આવી હતી. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ, સ્કાય માર્શલ, NIA, નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ (NSG) તથા વિદેશ મંત્રાલય અને ગૃહ ખાતાના એકબીજા સાથેના કો-ઑર્ડિનેશનને કારણે આ શક્ય બન્યું છે.
તહવ્વુર રાણા પર ડેવિડ કોલમન હેડલી ઉર્ફે દાઉદ ગિલાની, લશ્કર-એ-તય્યબા, હરકત-ઉલ-જિહાદી ઇસ્લામી સહિતના પાકિસ્તાનથી ઑપરેટ કરી રહેલાં આતંકવાદી સંગઠનો સાથે મળીને કાવતરું ઘડીને મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે આતંકવાદી હુમલો કરવાનો આરોપ છે. આ ઘાતકી હુમલામાં ૧૬૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૨૩૮ લોકો ઘાયલ થયા હતા.
અમેરિકાનું પહેલું રીઍક્શન
તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ વિશે અમેરિકાના ન્યાય વિભાગના પ્રવક્તા નવાસ ઑક્સમૅને કહ્યું હતું કે ‘તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ ૨૬/૧૧ના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. હું એ વાતની પુષ્ટિ કરી શકું છું કે બુધવારે અમેરિકાએ આતંકવાદી તહવ્વુર રાણાનું ભારતમાં ૨૦૦૮માં થયેલા ટેરરિસ્ટ અટૅકમાં કથિત ભૂમિકા બદલ ૧૦ આરોપો હેઠળ તેની સામે કેસ ચલાવવા માટે પ્રત્યર્પણ કર્યું છે.’

