પ્રયાગરાજમાં મહાકુંભમાં ગઈ કાલે અને શુક્રવારે આશરે ૨૫૦૦ ડ્રોનથી અદ્ભુત શો કરવામાં આવ્યો હતો અને આજે પણ આ શો સાંજે જોવા મળવાનો છે.
મહાકુંભ ડાયરી
૨૫૦૦ મેડ ઇન ઇન્ડિયા ડ્રોન દ્વારા સંગમ તટ પર સર્જાયો અદ્ભુત નજારો
પ્રયાગરાજમાં મહાકુંભમાં ગઈ કાલે અને શુક્રવારે આશરે ૨૫૦૦ ડ્રોનથી અદ્ભુત શો કરવામાં આવ્યો હતો અને આજે પણ આ શો સાંજે જોવા મળવાનો છે. ઉત્તર પ્રદેશમાં આ સૌથી મોટો ડ્રોન શો હતો જેમાં ૨૫૦૦ ડ્રોનની મદદથી આકાશમાં અનેક કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. સંસ્કૃતિ, અધ્યાત્મ અને ટેક્નૉલૉજીનો અદ્ભુત નજારો જોઈને લોકો ગદ્ગદ થયા હતા.
ADVERTISEMENT
મેળા ક્ષેત્રના સેક્ટર સાતમાં આ ડ્રોન શોની શરૂઆત શંખનાદથી કરવામાં આવી હતી. સંગમ તટ પર કુંભની મહત્તા, સંગમ સ્નાનનું મહત્ત્વ અનોખા રૂપમાં પ્રસ્તુત કરવામાં આવતાં શ્રદ્ધાળુઓએ સમુદ્રમંથનનું મહાકાવ્ય આકાશમાં જીવંત થતું જોયું હતું. ડ્રોનથી આકાશ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઊઠ્યું હતું. કુંભ કળશમાંથી અમૃતની બુંદો છલકાવવામાં આવી હોય એવું દૃશ્ય ડ્રોને દર્શાવ્યું હતું. ગંગાસ્નાનથી દિવ્યશક્તિ સંચારને પણ દર્શાવવામાં આવ્યું હતું.
રંગબેરંગી ધાર્મિક પ્રતીકોની અદ્ભુત છટા મેળા ક્ષેત્રમાં જોવા મળી હતી. ભગવાન શિવે ઝેર પીધું એ દૃશ્ય પણ જાણે જીવંત લાગે એ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આધુનિક ટેક્નૉલૉજીના માધ્યમથી સનાતન પરંપરાના વારસાને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
સમુદ્રમંથનમાંથી નીકળેલાં ૧૪ રત્નોના પ્રસંગને પણ દર્શાવવામાં આવ્યો હતો. શુક્રવારે ઉત્તર પ્રદેશનો ૭૬મો સ્થાપનાદિન હતો એ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું અને ‘હૅપી ઉત્તર પ્રદેશ ડે’ એવું લખાણ પણ ડ્રોને તૈયાર કર્યું હતું.
ઉત્તર પ્રદેશ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે મેડ ઇન ઇન્ડિયા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.