ડૉ. મનમોહન સિંહનું ૯૨ વર્ષની ઉંમરે અવસાન : સાંજે ઘરે શ્વાસ લેવામાં તકલીફ થઈ ત્યાર બાદ બેહોશ થઈ ગયા, હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા એ પછી રાત્રે ૯.૫૧ વાગ્યે અંતિમ શ્વાસ લીધા
ડૉ. મનમોહન સિંહ (26-09-1934 થી 26-12-2024)
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહની તબિયત ગઈ કાલે અચાનક બગડતાં તેમને રાતે ૮ વાગ્યે દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS-એઇમ્સ)માં લઈ જવાયા હતા. હૉસ્પિટલના ડૉક્ટરોની સ્પેશ્યલ ટીમે ૯૨ વર્ષના ભૂતપૂર્વ વડા પ્રધાનની સારવાર શરૂ કરી હતી અને લગભગ અઢી કલાક બાદ ડૉ. મનમોહન સિંહનું અવસાન થયું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાનને એઇમ્સમાં લાવવામાં આવ્યા બાદ તેમનાં પત્ની ગુરશરણ કૌર સહિત પરિવારજનો તેમ જ કૉન્ગ્રેસના અનેક નેતાઓ હૉસ્પિટલ પહોંચ્યાં હતાં.
૨૦૦૪થી ૨૦૧૪ સુધીની બે ટર્મ સુધી વડા પ્રધાન રહેલા ડૉ. મનમોહન સિંહની તબિયત છેલ્લા ઘણા સમયથી સારી નહોતી. એઇમ્સના મીડિયા-સેલનાં ઇન્ચાર્જ ડૉ. રીમા દાદાએ જાહેર કરેલી માહિતી મુજબ ડૉ. મનમોહન સિંહની ઉંમરને લગતી બીમારીની સારવાર ચાલી રહી હતી. ગઈ કાલે સાંજે તેઓ ઘરમાં જ બેહોશ થઈ ગયા હતા. તેમને એઇમ્સના ઇમર્જન્સી વૉર્ડમાં રાતે ૮.૦૬ વાગ્યે લવાયા હતા. ૯.૫૧ વાગ્યે ડૉ. મનમોહન સિંહે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ દીકરીઓ છે.
ADVERTISEMENT
ડૉ. મનમોહન સિંહનો જન્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલાંના અખંડ પંજાબના ગાહ નામના ગામમાં ૧૯૩૨ની ૨૬ સપ્ટેમ્બરે થયો હતો. ૧૯૪૭માં ભારતના ભાગલા બાદ તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. તેમણે પંજાબની યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવ્યા બાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલની ડિગ્રી પણ મેળવી હતી.
નેવુંના દાયકામાં ભારતના તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવની સરકારમાં તેઓ નાણાપ્રધાન હતા. એ સમયગાળામાં તેમણે ભારતીય અર્થવ્યવસ્થા ઉદાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ રિઝર્વ બૅન્કના ગવર્નર પણ રહી ચૂક્યા હતા.
૨૦૦૪માં જ્યારે ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે સામાજિક અને આર્થિક વિકાસ પર ધ્યાનકેન્દ્રિત સરકારનું નેતૃત્વ કર્યું હતું. તેમની આગેવાનીમાં ભારતનો વિકાસદર આઠથી ૯ ટકા રહ્યો હતો. તેમના શાસનકાળ દરમ્યાન સરકાર પર વિવિધ પ્રકારના ગોટાળાના ગંભીર આરોપ લાગ્યા હતા, પણ મનમોહન સિંહ વ્યક્તિગત ઈમાનદારીની કસોટીમાં પાસ થયા હતા.
ડૉ. મનમોહનસિંહના અવસાનના પગલે આજથી કર્ણાટકના બેલગામમાં શરૂ થનારી કૉન્ગ્રેસ કારોબારી સમિતિની બેઠક રદ કરવામાં આવી હતી.