મધ્ય પ્રદેશસ્થિત ઍક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌરે દાખલ કરેલી આરટીઆઇ પૂછપરછના જવાબમાં રેલવે બોર્ડ તરફથી જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૨૨-’૨૩માં કુલ ૧.૭૬ કરોડ પીએનઆર નંબર પર મુસાફરોએ પ્રવાસ કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
વર્ષ ૨૦૨૨-’૨૩માં વેઇટિંગ ટિકિટ હોવાના કારણે લગભગ ૨.૭૦ કરોડ કરતાં વધુ પૅસેન્જર્સ ટ્રેનનો પ્રવાસ કરી શક્યા નહોતા, એમ આરટીઆઇના માધ્યમથી કરેલી પૂછપરછના ઉત્તરમાં જાણવા મળ્યું હતું, જે દેશમાં વ્યસ્ત માર્ગો પર ટ્રેનોની કેટલી અછત હોવાનું સૂચિત કરે છે.
ગયા નાણાકીય વર્ષ દરમ્યાન આ આંકડો ૧.૬૫ કરોડનો હતો. મધ્ય પ્રદેશસ્થિત ઍક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌરે દાખલ કરેલી આરટીઆઇ પૂછપરછના જવાબમાં રેલવે બોર્ડ તરફથી જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૨૨-’૨૩માં કુલ ૧.૭૬ કરોડ પીએનઆર નંબર પર મુસાફરોએ પ્રવાસ કર્યો હતો, જ્યારે કે ૨.૭૨ કરોડ લોકોને વેઇટિંગ લિસ્ટ હોવાને કારણે આપોઆપ જ પ્રવાસ રદ કરવો પડ્યો હતો. અગાઉના વર્ષ ૨૦૨૧-’૨૨માં કુલ ૧.૦૬ કરોડ પીએનઆર નંબર પર મુસાફરોએ પ્રવાસ કર્યો હતો, જ્યારે કે ૧.૬૫ કરોડ લોકોએ પ્રવાસ રદ કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : યુટીએસ ટિકિટનો સ્ક્રીનશૉટ વૅલિડ ટિકિટ ન કહેવાય
પીએનઆર રદ કરાયા બાદ મુસાફરોને તેમની ટિકિટના પૈસા પાછા આપવામાં આવ્યા હતા. કન્ફર્મ ટિકિટ આપવામાં અસમર્થતા એ રેલવેની ઘણી જૂની સમસ્યા છે.
વર્ષ ૨૦૧૪-’૧૫માં રદ કરાયેલા પીએનઆરની સંખ્યા ૧.૧૩ કરોડ હતી, જે ૨૦૧૫-’૧૬માં ૮૧.૦૫ લાખ, ૨૦૧૬-’૧૭માં ૭૨.૧૩ લાખ, ૨૦૧૭-’૧૮માં ૭૩ લાખ અને ૨૦૧૮-’૧૯માં ૬૮.૯૭ લાખ નોંધાઈ હોવાનું સત્તાવાર આંકડાકીય માહિતીમાં દર્શાવાયું હતું. રેલવેએ જણાવ્યું હતું કે એ માગ પ્રમાણે ટ્રેન ઉપલબ્ધ કરવા માટે પોતાની ક્ષમતા વધારવાના પ્રયાસ કરી રહી છે.
1.65
વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન આટલા કરોડ પૅસેન્જર્સ વેઇટિંગ ટિકિટને કારણે પ્રવાસ નહોતા કરી શક્યા.