લગ્ન પહેલાં પણ પ્રગતિ અનુરાગના પ્રેમમાં હતી અને તે કોઈ પણ કિંમતે પ્રેમીને પામવા માગતી હતી.
પત્ની પ્રગતિ યાદવ, તેનો પ્રેમી અનુરાગ અને કૉન્ટ્રૅક્ટ કિલર રામુ.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નસંબંધિત વિચિત્ર કિસ્સા સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં લગ્નના ૧૫ દિવસમાં જ પત્નીએ પ્રેમીને પામવા માટે પતિની હત્યા કરાવી નાખી. મળતી માહિતી અનુસાર ૨૦૨૫ની પાંચ માર્ચે મૈનપુરીના દિલીપ અને ઔરૈયાની પ્રગતિનાં ધૂમધામથી લગ્ન થયાં હતાં, પરંતુ પ્રગતિ પોતાના ગામના રહેવાસી અનુરાગ યાદવના પ્રેમમાં હતી. પ્રગતિએ વિચાર્યું કે જો દિલીપની હત્યા થાય તો તે અનુરાગ સાથે નવું જીવન વિતાવી શકશે, આ ઉપરાંત તેને દિલીપના ઘરેથી પૈસા પણ મળશે.
પોલીસે જણાવ્યું હતું કે ‘૧૯ માર્ચે ઔરૈયા જિલ્લાના સહાર વિસ્તારમાં ઘઉંના ખેતરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિ મળી આવી હતી. તેનું સારવાર દરમ્યાન બાવીસ માર્ચે મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને મૃતકનો પરિવાર શોકમાં હતો. બીજી તરફ પોલીસે ચક્રો ગતિમાન કર્યાં અને ઑપરેશન ત્રિનેત્ર હેઠળ સીસીટીવી ફુટેજ શોધ્યાં, જેમાં સત્ય બહાર આવ્યું. વિડિયોમાં કેટલાક માણસો દિલીપને બાઇક પર લઈ જઈ રહ્યા હતા. ત્યાર બાદ ૨૪ માર્ચે પોલીસે રામજી નાગરની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી હતી.
આરોપી રામજી નાગરે જણાવ્યું હતું કે ‘આ આખું કાવતરું પ્રગતિ અને તેના પ્રેમી અનુરાગ યાદવે રચ્યું હતું. લગ્ન પહેલાં પણ પ્રગતિ અનુરાગના પ્રેમમાં હતી અને તે કોઈ પણ કિંમતે પ્રેમીને પામવા માગતી હતી.’
ADVERTISEMENT
પ્રગતિએ જ અનુરાગને એક લાખ રૂપિયા આપ્યા હતા, જે અનુરાગે મુખ્ય હત્યારા રામજી નાગરને આપી દીધા હતા. આ સોદો બે લાખ રૂપિયામાં નક્કી થયો અને આખી ટીમે સાથે મળીને એને અંજામ આપ્યો હતો. પોલીસે રામજી નાગર બાદ અનુરાગ યાદવ અને પ્રગતિ યાદવની પણ ધરપકડ કરી હતી. પ્રગતિએ લગ્નના શગુનમાં મળેલા પૈસામાંથી સુપારી આપી હતી.

