મમ્મી-પપ્પાએ દીકરીને જૂના અખાડાને સોંપી, હવે પિંડદાન કરશે
રાખી સિંહ
બાળપણથી સરકારી અધિકારી બનવાનું સપનું જોઈ રહેલી ૧૩ વર્ષની રાખી સિંહના મનમાં કુંભમેળામાં અચાનક વૈરાગ્ય આવી ગયો અને તેણે મમ્મી-પપ્પા સમક્ષ સાધ્વી બનવાની ઇચ્છા જાહેર કરી હતી. આ ટીનેજરનાં મમ્મી-પપ્પાએ આ હરિની ઇચ્છા હશે એમ સમજીને જૂના અખાડાને દીકરી સોંપી દીધી છે.
આ મુદ્દે રાખીની મમ્મી રીમા સિંહે કહ્યું હતું કે ‘જૂના અખાડાના મહંત કૌશલગિરિ મહારાજ અમારા ગામમાં ત્રણ વર્ષથી ભાગવતકથા કરવા આવતા હતા અને અમે એમાં જતા હતા. રાખીએ ગુરુદીક્ષા લીધી હતી. મહંતજીના કહેવાથી અમે ગયા મહિને બેઉ દીકરીઓ સાથે કુંભમેળામાં સેવા આપવા આવ્યાં છીએ અને એ સમયે રાખીએ સાધ્વી બનવાનો વિચાર અમારી સમક્ષ વ્યક્ત કર્યો તો અમે તેને પરવાનગી આપી હતી.’
ADVERTISEMENT
રીમા સિંહ અને તેમના પતિ સંજય સિંહે આગરામાં મકાન ભાડે લીધું છે અને રાખી અને આઠ વર્ષની નિકીને ત્યાં ભણાવે છે. તેમનો પેઠાનો બિઝનેસ છે. જૂના અખાડાના મહંત કૌશલગિરિએ જણાવ્યું હતું કે ‘પરિવારે કોઈ પણ દબાણ વિના દીકરીને દાનમાં આપી છે. તેમની ઇચ્છાથી અમે રાખીને આશ્રમમાં સ્વીકારી છે. તે હવેથી ગૌરી ગિરિ તરીકે ઓળખાશે.’
દીકરીની ચિંતા નહીં સતાવે? આ સવાલના જવાબમાં રીમા સિંહે કહ્યું હતું કે આ ચિંતા રહેવી સ્વાભાવિક છે, પણ આ હરિની ઇચ્છા હશે. સાધ્વી બનતાં પહેલાં ગૌરી ગિરિનું પિંડદાન અને અન્ય ધાર્મિક સંસ્કાર ૧૯ જાન્યુઆરીએ કરવામાં આવશે. ત્યાર બાદ તે ગુરુના પરિવારની મેમ્બર ગણાશે.