બાળપણથી સરકારી અધિકારી બનવાનું સપનું જોતી ૧૩ વર્ષની રાખી સિંહના મનમાં અચાનક વૈરાગ્ય આવી જતાં તેણે માતા-પિતા સમક્ષ સાધ્વી બનવાની ઇચ્છા જાહેર કરી હતી
જૂના અખાડાના મહંત કૌશલગિરિ મહારાજે દીક્ષા આપી રાખી સિંહનું નામ ગૌરીગિરિ રાખી દીધું.
બાળપણથી સરકારી અધિકારી બનવાનું સપનું જોતી ૧૩ વર્ષની રાખી સિંહના મનમાં અચાનક વૈરાગ્ય આવી જતાં તેણે માતા-પિતા સમક્ષ સાધ્વી બનવાની ઇચ્છા જાહેર કરી હતી. આ ટીનેજરનાં માતા-પિતાએ તેમની દીકરીને જૂના અખાડાને સોંપી હતી અને જૂના અખાડાના મહંત કૌશલગિરિ મહારાજે તેને દીક્ષા આપી તેનું નામ ગૌરીગિરિ રાખી દીધું હતું, પણ આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે અને જૂના અખાડાએ ૧૩ વર્ષની ટીનેજરને આપવામાં આવેલી દીક્ષા નિયમો-વિરુદ્ધ છે એમ જણાવીને મહંત કૌશલગિરિ અને આ ટીનેજરને જૂના અખાડામાંથી નિષ્કાસિત કર્યાં છે.
આ મુદ્દે જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા શ્રીમહંત નારાયણગિરિએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘અખાડાના નિયમો મુજબ પચીસ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવી શકે નહીં. આ મુદ્દે શુક્રવારે અખાડાની બેઠકમાં વિચારવિમર્શ થયો હતો અને સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ટીનેજરનો પ્રવેશ રદ કરવામાં આવે અને મહંત કૌશલગિરિને ટીનેજરને પ્રવેશ આપવાને કારણે સાત વર્ષ માટે નિષ્કાસિત કરી દેવામાં આવે.’