રાજસ્થાન ક્રિકેટ અસોસિએશને સુશીલા મીણાને પોતાના છત્ર હેઠળ લેવાની જાહેરાત કરીઃ સુશીલાએ ગજબનો યૉર્કર નાખીને રમતપ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડને કર્યા ક્લીન બોલ્ડ
રાજ્યવર્ધન સિંહ રાઠોડને ક્લીન બોલ્ડ કરતી સુશીલા મીણા.
રાજસ્થાનના પ્રતાપગઢમાં રહેતી ૧૨ વર્ષની સુશીલા મીણા ફરી તેની બૉલિંગ-ઍક્શનના લીધે ચર્ચામાં આવી છે અને આ વખતે તેણે રાજસ્થાનના રમતપ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડને ક્લીન બોલ્ડ કર્યા હતા. આ સંદર્ભનો વિડિયો ખુદ પ્રધાને સોશ્યલ મીડિયામાં મૂક્યો છે જેમાં દેખાય છે કે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બોલર ઝહીર ખાન જેવી જ બોલિંગ-ઍક્શન ધરાવતી સુશીલા મીણા રાજ્યવર્ધન સિંહને યૉર્કર બોલ નાખે છે અને પ્રધાન ક્લીન બોલ્ડ થઈ જાય છે. આ વિડિયો સાથે તેમણે લખ્યું હતું કે ‘બિટિયા સે ક્લીન બોલ્ડ હોકર હમ સબ જીત ગએ.’
રાજ્યવર્ધન સિંહ રાઠોડે સુશીલાનું સન્માન કર્યું હતું અને ક્રિકેટ-કિટ પણ આપી હતી. તેમણે જાહેર કર્યું હતું કે રાજસ્થાન ક્રિકેટ અસોસિએશન સુશીલાને દત્તક લે છે અને તેના ભણતર અને ટ્રેઇનિંગનો તમામ ખર્ચ ઉઠાવશે.
ADVERTISEMENT
સુશીલા મીણાના પિતા રતનલાલ અને માતા શાંતિબાઈ ગરીબ છે અને મજૂરી અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. હકીકતમાં સુશીલા મીણાનો એક વિડિયો સચિન તેન્ડુલકરે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો એ પછી એ ખૂબ વાઇરલ થયો હતો. આ વિડિયોમાં તે સ્કૂલ-ડ્રેસમાં બોલિંગ કરતી દેખાય છે. સચિન તેન્ડુલકરે તેની બોલિંગનો વિડિયો જોઈને પ્રસંશા કરી હતી અને ઝહીર ખાનને પૂછ્યું હતું કે તેં આ છોકરીની ઍક્શન જોઈ? તે તારી જેમ બોલિંગ કરે છે. ઝહીરે પણ સચિનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે તમે સાચા છો, તેની બોલિંગ સ્મૂધ અને પ્રભાવશાળી છે.
સચિન કોણ છે એ નથી ખબર સુશીલાને
નવાઈની વાત એ છે કે જે સચિન તેન્ડુલકરને લીધે સુશીલા ફેમસ થઈ ગઈ છે તે માસ્ટર બ્લાસ્ટરનું તેણે અગાઉ ક્યારેય નામ નહોતું સાંભળ્યું. તાજેતરમાં જ એક ન્યુઝ-ચૅનલ સુશીલાનો ઇન્ટરવ્યુ કરવા તેના ગામ પહોંચી ત્યારે રિપોર્ટરે તેને સચિન તેન્ડુલકર વિશે પૂછ્યું હતું. એ વખતે સુશીલાએ કહ્યું હતું કે ‘હું તેને નથી ઓળખતી અને મારા ઘરે ટીવી પણ નથી એટલે મેં ક્યારેય મૅચ પણ નથી જોઈ.’