ઘટના બાદ મેડિકલ, ફાયર બ્રિગેડ, પોલીસ અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીમાર લોકોને જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
પંજાબ (Punjab)ના લુધિયાના (Ludhiana)માં રવિવારે સવારે ગેસ લીકેજને કારણે 11 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 2 બાળકો સહિત 5 મહિલાઓ અને 4 પુરુષો સામેલ છે. બાળકોની ઉંમર 10 અને 13 વર્ષની છે. શહેરના ગ્યાસપુરા ઈન્ડસ્ટ્રીયલ એરિયા પાસે એક ઈમારતમાં બનેલા મિલ્ક બૂથમાં સવારે 7.15 કલાકે આ અકસ્માત થયો હતો. લુધિયાનાના SDM સ્વાતિએ જણાવ્યું કે, “ગેસ લીક થયા બાદ 12 લોકો બેહોશ થઈ ગયા હતા.”
ઘટના બાદ મેડિકલ, ફાયર બ્રિગેડ, પોલીસ અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીમાર લોકોને જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અહીંના ધારાસભ્ય રાજીન્દરપાલ કૌરે કહ્યું કે, “બીલ્ડિંગમાં દૂધનું બૂથ ખુલ્લું હતું, જે કોઈ પણ સવારે દૂધ લેવા અહીં આવ્યા તે બેભાન થઈ ગયા.” પ્રશાસને બીલ્ડિંગની આસપાસના એક કિલોમીટરના વિસ્તારને સીલ કરી દીધો છે.
લુધિયાનાના ડીસી સુરભી મલિકે કહ્યું કે, “મૃત્યુ પામેલા 11 લોકોના પરિવારજનોને પંજાબ સરકાર 2-2 લાખ રૂપિયા આપશે, જેઓ હૉસ્પિટલમાં દાખલ છે, તેમને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ લોકોની સારવારનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે.
ADVERTISEMENT
બીલ્ડિંગની આસપાસના મકાનોમાં પણ લોકો બેહોશ થઈ ગયા
રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઈમારતના 300 મીટરની અંદર ઘણા લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા છે. આસપાસના ઘરો અને ઢાબાના લોકો પણ બેહોશ થઈ ગયા છે. વહીવટીતંત્રે ડ્રોનની મદદથી આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. લુધિયાનાના પોલીસ કમિશ્નર મનદીપ સિદ્ધુએ જણાવ્યું કે જે બીલ્ડિંગમાં આ ઘટના બની તેમાંથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
કયા વિસ્તારમાં ગેસ લીક થયો અને તેનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં ગેસની દુર્ગંધ ગટરના ગેસ જેવી હોવાનું જાણવા મળ્યું છે. હવે ગેસની તપાસ માટે મશીનો મગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મન કી બાતના ૧૦૦મા એપિસોડમાં શું બોલ્યા PM નરેન્દ્ર મોદી? જાણો તમામ મુદ્દા
પોલીસ કમિશનર મનદીપ સિદ્ધુએ જણાવ્યું કે, “ગટરમાં એસિડના કારણે આવું થઈ શકે છે અથવા અંદર કોઈ કેમિકલની હાજરી આ ગેસનું કારણ હોય શકે છે. જોકે, તપાસ બાદ જ ઔપચારિક રીતે કંઈક કહી શકાય.”