વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા શિવાજી પાર્ક ખાતે ૧૪ નવેમ્બરે મુંબઈની મુલાકાત લીધી હતી અને જાહેર સભાનું સંબોધન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ મહા વિકાસ અઘાડી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, MVA તુષ્ટિકરણના ગુલામ બની ગયા છે. તેમણે વધુમાં કહ્યું કે, “મહા વિકાસ અઘાડીના નેતાઓ તુષ્ટિકરણના ગુલામ બની ગયા છે. મહા વિકાસ આઘાડીના નેતાઓએ રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો હતો. મત ખાતર તેઓએ `ભગવા આતંકવાદ` જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેઓ વીર સાવરકરનો અનાદર કરે છે. તેઓએ J&Kમાં કલમ 370ની પુનઃસ્થાપના માટે એક ઠરાવ પસાર કર્યો. મહા વિકાસ આઘાડી હંમેશા તેમના પક્ષને રાષ્ટ્રથી ઉપર રાખે છે અને તેમને ભારતની પ્રગતિમાં સમસ્યા છે. તેઓએ ક્યારેય મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો નથી." મુંબઈમાં પીએમ મોદીએ શિવસેના (યુબીટી) પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે અઘાડીમાં એક એવી પાર્ટી છે જેણે બાળા સાહેબનું અપમાન કરતા કોંગ્રેસને પોતાનું રિમોટ કંટ્રોલ સોંપી દીધું છે.