ભારતના યુવા વર્ગને શૅરબજારમાં રોકાણ કરવા માટે આકર્ષવામાં નિમિત્ત બનેલા ટ્રેડિંગ-ઍપ ઝીરોધાના CEO નીતિન કામતે હવે રોકાણકારોને શૅરબજારને લગતાં કૌભાંડોથી બચવા માટે ચેતવણી આપી છે
લાઇફમસાલા
નીતિન કામત
ભારતના યુવા વર્ગને શૅરબજારમાં રોકાણ કરવા માટે આકર્ષવામાં નિમિત્ત બનેલા ટ્રેડિંગ-ઍપ ઝીરોધાના CEO નીતિન કામતે હવે રોકાણકારોને શૅરબજારને લગતાં કૌભાંડોથી બચવા માટે ચેતવણી આપી છે. હાલમાં એક સૉફ્ટવેર એન્જિનિયરે ટ્રેડિંગ સંબંધિત કૌભાંડમાં આશરે ૯૧ લાખ રૂપિયા ગુમાવ્યા એ ન્યુઝ વાંચ્યા પછી આ બાબતે ચિંતા વ્યક્ત કરીને નીતિન કામતે આ મુદ્દે ચર્ચા જગાડી છે.
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એવી કહેવત છે, પરંતુ હવે તો ધુતારાઓ અબજો રૂપિયામાં આળોટી શકે એટલી હદે કૌભાંડો કરી રહ્યા છે અને ઝડપી નાણાં કમાવાની લાલચમાં લોકો ફસાઈ રહ્યા છે.
ADVERTISEMENT
નીતિન કામતે સોશ્યલ મીડિયા પરના સંદેશમાં કહ્યું છે: છેલ્લા ૯ મહિનામાં સાઇબર-ફ્રૉડને લીધે લોકોએ ૧૧,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આવાં કૌભાંડો હવે વધી રહ્યાં છે અને જ્યારે કૌભાંડકારો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા લાગશે ત્યારે કેટલી ગંભીર પરિસ્થિતિ ઊભી થશે એની કલ્પના કરીને હું થથરી જાઉં છું.
બૅન્ગલોરના સૉફ્ટવેર એન્જિનિયરને ટેલિગ્રામના ગ્રુપમાં ઍડ કરીને શૅરબજારનાં ટ્રેડિંગોમાં આંબલીપીપળી દેખાડવામાં આવી અને તે છેતરાઈ ગયો એને પગલે નીતિન કામતે હાકલ કરી છે કે અજાણ્યા માણસો તમને ટેલિગ્રામ અને વૉટ્સઍપ પર કોઈ ગ્રુપના સભ્ય બનાવી શકે નહીં એ માટેનું સેટિંગ દરેકે કરી લેવું. એ સેટિંગ કેવી રીતે કરવું એ પણ નીતિન કામતે સોશ્યલ મીડિયા દર્શાવ્યું છે.
નીતિન કામત કહે છે કે ટેલિગ્રામ અને વૉટ્સઍપ પરના ગ્રુપ મારફત આવાં કૌભાંડો થાય છે. કૌભાંડીઓ કેટલાક લોકોને મોટા પગારની લાલચ આપીને નોકરીએ રાખે છે અને બીજાઓને ફસાવવાનું કામ સોંપે છે. આથી કોઈ વિશ્વસનીય વ્યક્તિ સિવાયના માણસે તમને વૉટ્સઍપ ગ્રુપમાં ઉમેર્યા હોય તો એમાં રહેવું નહીં એવી સલાહ તેમણે આપી છે.