આ સ્કોર છે મીરા રોડમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં ગયેલા દાગીનાઓના કેસમાં પોલીસનો: બે વધુ આરોપી પકડાયા ખરા, પણ એકેય ઘરેણું પાછું નથી મેળવી શકી પોલીસ
ફાઇલ તસવીર
૧૮ માર્ચે મીરા રોડમાં એસ. કે. સ્ટોન પોલીસચોકીને અડીને આવેલા સેન્ટ્રલ પાર્ક મેદાનમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દર્શન અને પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. એમાં મોટા પ્રમાણમાં ભીડ જમા થઈ હોવાથી એનો લાભ લઈને રાજસ્થાનની બે મહિલા-ગૅન્ગે બાવન મહિલાઓના દાગીના આંચકી લીધા હતા. મીરા રોડ પોલીસે આ મામલામાં પહેલાં ૬ મહિલા અને ત્યાર બાદ બે પુરુષોની ધરપકડ કરી છે, પરંતુ ૧૫ દિવસની તપાસમાં આંચકાયેલો એક પણ દાગીનો રિકવર નથી કરી શકી.
સ્થાનિક અપક્ષ વિધાનસભ્ય ગીતા જૈનના પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં ૮૦,૦૦૦ લોકોનો સમાવેશ થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ધારણા કરતાં વધુ લોકો આ કાર્યક્રમમાં પહોંચતાં ગ્રાઉન્ડ પર જવા માટેના ગેટ પર ભારે ભીડ થઈ હતી એનો લાભ લઈને રાજસ્થાનના ભરતપુર અને અલવરમાં રહેતી મહિલાઓની એક ગૅન્ગે મહિલાઓને ટાર્ગેટ કરી હોવાનું પોલીસે કરેલી તપાસમાં જણાઈ આવ્યું હતું.
ADVERTISEMENT
અઢી તોલાની સોનાની ચેન-લૉકેટ ગુમાવનાર પૂનમ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાગીના આંચકવાની ઘટનાને પંદર દિવસ થઈ ગયા હોવા છતાં પોલીસ તરફથી કેટલા લોકોને પકડવામાં આવ્યા છે અને તેમની પાસેથી કેટલા દાગીના જપ્ત કરવામાં આવ્યા છે એની કશી માહિતી મને નથી મળી. પોલીસ અધિકારીને ફોન કરીએ છીએ તો એ રિસીવ નથી કરતા. મારી સાથે ૬ મહિલા હતી, તેમના પણ દાગીના ગયા છે. તેઓ બે-ત્રણ વખત પોલીસ સ્ટેશન જઈ આવી છે, પણ તપાસ ચાલુ છે એવું જ રટણ પોલીસ કરી રહી છે.
આ કેસની તપાસ કરી રહેલા મીરા રોડ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર હનીફ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છ મહિલાની ધરપકડ બાદ અમને બે પુરુષની ધરપકડ કરવામાં સફળતા મળી છે. અમારી ટીમ રાજસ્થાનમાં સતત તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં ભરતપુર અને અલવરની મહિલા-ગૅન્ગની મહિલાઓ હાથમાં આવવાની શક્યતા છે. અત્યાર સુધી પકડવામાં આવેલા આરોપીઓ પાસેથી એક પણ દાગીનો હાથ નથી લાગ્યો.’