નવાબ મલિકની પુત્રી સના મલિકને અણુશક્તિનગરની ટિકિટ ફાળવવામાં આવી
ઝીશાન સિદ્દીકી, સના મલિક
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) દ્વારા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. એમાં ઝીશાન સિદ્દીકીને ટિકિટ આપાવામાં આવી છે. બાંદરાના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની હત્યા થયા બાદ તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીએ હવે પિતાની જેમ NCPમાં ગઈ કાલે સત્તાવાર પ્રવેશ કર્યો હતો. પક્ષપ્રમુખ અજિત પવાર અને સુનીલ તટકરેએ તેમને પક્ષના ચિહ્ન ઘડિયાળનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. પક્ષમાં પ્રવેશ સાથે જ તેમને બાંદરા-ઈસ્ટની બેઠક માટેની ઉમેદવારી પણ આપવામાં આવી હતી.
દરમ્યાન NCPના નેતા નવાબ મલિકની પુત્રી સના મલિકને અણુશક્તિનગરની ટિકિટ ફાળવવામાં આવી છે. આ બેઠક પર હાલમાં નવાબ મલિક વિધાનસભ્ય છે. જોકે તેમણે આ વખતે
માનખુર્દ-શિવાજીનગર બેઠક પર ટિકિટ માગી છે, પણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિરોધને લીધે તેમને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ ઉમેદવારી આપે એવી શક્યતા ઓછી છે. જોકે જાણકારોનું કહેવું છે કે BJPના સ્ટ્રૉન્ગ વિરોધને લીધે નવાબ મલિક હવે માનખુર્દ-શિવાજીનગર બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી શકે છે.