ઝવેરીબજારના વેપારી પાસેથી પહેલાં પૈસા લીધા પછી સોનું આપવાને બદલે ગઠિયો ગુલ થઈ ગયો
Crime News
પ્રતીકાત્મક તસવીર
ઝવેરીબજારમાં જ્વેલરીનો વ્યવસાય કરતા એક વેપારી હૈદરાબાદ એક એક્ઝિબિશનમાં ગયા હતા. ત્યાં તેમની મુલાકાત એક યુવાન સાથે થઈ હતી. તે યુવાને વેપારીને નવી પૅટર્નના દાગીના બતાવ્યા હતા જે લેવા માટે વેપારી તૈયાર થયા હતા. જોકે દાગીના ખરીદતાં પહેલાં પૈસા આપવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ પોતાની પાસે પડેલી ૨,૦૦૦ રૂપિયાની નોટોનાં ૨૧ બંડલ દાગીના ખરીદવા માટે વેપારીએ યુવાનને આપ્યાં હતાં. જોકે પૈસા આપ્યા બાદ પણ કોઈ દાગીનાની ડિલિવરી ન થતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેમણે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચેમ્બુરમાં રહેતા અને ઝવેરીબજારમાં શેખ મેમન સ્ટ્રીટની મુંબાદેવી ચેમ્બરમાં યશોદા જગદીશ ઍન્ડ સન્સ નામે જ્વેલરીની દુકાન ધરાવતા ૪૪ વર્ષના મનીષ જગદીશ સોનીએ કરેલી ફરિયાદ અનુસાર ૧૯થી ૨૧ મે દરમિયાન તેઓ હેદરાબાદમાં દાગીનાના એક્ઝિબિશન માટે ગયા હતા. ત્યાં તેમની મુલાકાત હુકમસિંગ નામના એક યુવક સાથે થઈ હતી. તેણે કાલબાદેવીમાં રાજપૂત જ્વેલરી નામની પોતાની દુકાન ખોલી હોવાની માહિતી આપીને પોતાની પાસે પડેલા આશરે ૫૦ લાખ રૂપિયાના દાગીના ફરિયાદીને બતાવ્યા હતા. એ જોયા બાદ ફરિયાદીએ મુંબઈ જઈ ભાઈ સાથે વાત કરીને દાગીનાની ખરીદીનો મારો નિર્ણય કહીશ એમ જણાવ્યું હતું. ૨૨ મેએ ફરિયાદી દાગીના ખરીદવા માટે તૈયાર થતાં તેણે હુકમસિંગને ફોન કર્યો હતો. ત્યારે પહેલાં ૪૨ લાખ રૂપિયા આપ્યા પછી બાકીની રકમ દાગીનાની ડિલિવરી સમયે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બપોરે આશરે ત્રણ વાગ્યે આયુષમય નામનો એક યુવાન ફરિયાદીની દુકાને આવ્યો હતો, તેણે હુકમસિંગે મોકલ્યો હોવાનું કહેતાં ફરિયાદીએ ૨,૦૦૦ રૂપિયાનાં ૨૧ બંડલ એટલે કે ૪૨ લાખ રૂપિયા તેને આપી દીધા હતા. પૈસા આપ્યાના એક કલાક પછી દાગીના આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જોકે કલાકો પછી પણ દાગીનાની ડિલિવરી કરવામાં આવી નહોતી. અંતે ફરિયાદીએ હુકમસિંગને ફોન કર્યો ત્યારે મોબાઇલ બંધ આવ્યો હતો. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં આ ઘટનાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
ADVERTISEMENT
એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સુશીલ વનજારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. હાલમાં આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’
અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં ફરિયાદીએ પોતાની પાસે પડેલી ૨,૦૦૦ રૂપિયાની નોટો કાઢીને એને બદલે દાગીના લેવાની ઇચ્છા બતાવી હતી જે આરોપીએ સ્વીકારી લીધી હોવાની પ્રાથમિક માહિતી અમારી પાસે છે. આરોપી મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.’