IPL શરૂ થવાની હોવાથી બૉમ્બે હાઈ કોર્ટે આજે ફૅમિલી કોર્ટને ચુકાદો આપવા કહ્યું, છ મહિનાના કૂલિંગ ઑફની શરત માફ કરી દીધી
યુઝવેન્દ્ર ચહલ, ધનશ્રી વર્મા
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર પત્ની ધનશ્રી વર્મા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં ગઈ કાલે એક મોટું ડેવલપમેન્ટ થયું હતું અને બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે (આજે) છૂટાછેડાની અરજી પર ચુકાદો આપવાનો ફૅમિલી કોર્ટને આદેશ આપ્યો છે.
જસ્ટિસ માધવ જામદારની સિંગલ જજ બેન્ચે કહ્યું હતું કે ચહલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મૅચો રમવાનો છે અને ૨૨ માર્ચથી આ ટુર્નામેન્ટ શરૂ થાય છે એટલે ૨૦ માર્ચ સુધીમાં ફૅમિલી કોર્ટ ચુકાદો આપે, તે ૨૧ માર્ચથી ઉપલબ્ધ નહીં હોય; IPLમાં ક્રિકેટર તરીકે તેની જવાબદારીઓ પૂર્ણ કરવાની હોવાથી ગુરુવાર સુધીમાં ફૅમિલી કોર્ટે ચુકાદો આપવો જોઈએ.
ADVERTISEMENT
ફૅમિલી કોર્ટે ૨૦ ફેબ્રુઆરીએ કૂલિંગ ઑફ પિરિયડ માફ કરવાની અરજી ફગાવી હતી, પણ બૉમ્બે હાઈ કોર્ટે માન્યું હતું કે પતિ-પત્ની અઢી વર્ષથી અલગ રહે છે એટલે છ મહિનાના કૂલિંગ ઑફ પિરિયડની શરત આ કેસમાં લાગુ થતી નથી.
બાર ઍન્ડ બેન્ચ વેબસાઇટમાં જણાવ્યા મુજબ ચહલ અને ધનશ્રી વર્મા અઢી વર્ષથી અલગ રહેતાં હોવાથી બૉમ્બે હાઈ કોર્ટે આ કેસમાં ૬ મહિનાનો કૂલિંગ ઑફ પિરિયડ માફ કરી દીધો છે.
ફેબ્રુઆરીમાં કરી અરજી
ચહલ અને ધનશ્રી વર્માએ હિન્દુ મૅરેજ ઍક્ટની કલમ 13-બી હેઠળ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આપસી સહમતીથી છૂટાછેડાની અરજી કરી હતી. કોર્ટે ૨૦ ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કૂલિંગ ઑફ પિરિયડને માફ કરવાની માગણી ફગાવી હતી. ચહલ અને ધનશ્રી વર્મા ૨૦૨૨ના જૂન મહિનાથી અલગ-અલગ રહે છે.
૪.૭૫ કરોડ રૂપિયામાં સેટલમેન્ટ
ચહલે ફૅમિલી કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે છૂટાછેડા માટે તે ધનશ્રી વર્માને ૪.૭૫ કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે અને ૨.૩૭ કરોડ રૂપિયા ધનશ્રી વર્માને ચૂકવી દેવામાં આવ્યા છે. બાકીની રકમ છૂટાછેડાના કેસનો નિકાલ આવે ત્યારે ચૂકવી દેવામાં આવશે. કૂલિંગ ઑફ પિરિયડના મુદ્દે કેસમાં વિલંબ થયો એટલે બાકીની રકમ ચૂકવાઈ નહોતી, પણ ચુકાદો આવતાં એ ચૂકવી દેવામાં આવશે.
લૉકડાઉનમાં થયો લવ
યુઝવેન્દ્ર ચહલે કોવિડ-19ના લૉકડાઉન વખતે ડાન્સ શીખવા માટે ધનશ્રી વર્માનો સંપર્ક કર્યો હતો અને ધનશ્રી આ માટે રાજી થઈ હતી. ત્યાર બાદ તેમની વચ્ચે પ્રેમ થયો હતો અને ૨૦૨૦ના ડિસેમ્બરમાં તેમણે લગ્ન કર્યાં હતાં.
કૂલિંગ ઑફ પિરિયડ
છૂટાછેડાની અરજી બાદ પતિ-પત્નીને છ મહિનાનો કૂલિંગ ઑફ પિરિયડ આપવામાં આવે છે જેમાં થોડો સમય સાથે રહેવા અને છૂટાછેડા પર ફરી વિચાર કરવા સમય આપવામાં આવે છે.

