ચાર વર્ષથી પતરાં લગાવીને બંધ કરેલા આ સ્કાયવૉક પર તે કઈ રીતે પહોંચ્યો એની તપાસ કરી રહી છે પોલીસ
દહિસરના સ્કાયવૉક પર લટકીને સુસાઇડ કરનાર યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો
દહિસર-વેસ્ટના વિઠ્ઠલ મંદિરની સામે બંધ સ્કાયવૉક પર એક યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનો બનાવ ગઈ કાલે બન્યો હતો. આ બનાવની પોલીસને બપોરે લગભગ ૧૨ વાગ્યે જાણ થઈ હતી. આ વિશે માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને એમએચબી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની મદદથી ડેડ-બૉડીને સ્કાયવૉક પરથી નીચે ઉતારવામાં આવી હતી. પોલીસે ડેડ-બૉડી કોની છે એ વિશે વધુ તપાસ હાથ ધરી છે.
પતરાં લગાડીને બંધ કરેલા સ્કાયવૉક પર યુવક કઈ રીતે પહોંચ્યો એની તપાસ અમે કરી રહ્યા છીએ એમ જણાવીને એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુધીર કુડાલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાહદારીઓ દ્વારા અમને સ્કાયવૉક પર ડેડ-બૉડી લટકી રહી હોવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં જણાયું કે મૃતક અજાણી વ્યક્તિ છે અને તેની ઉંમર ૨૫થી ૨૭ વર્ષની વચ્ચે લાગી રહી હતી. તે ચરસી હતો અને ક્યાં રહે છે એની જાણ થઈ નથી. તેની પાસેથી કોઈ સુસાઇડ નોટ કે મોબાઇલ મળ્યો નથી. આ સ્કાયવૉક ચાર વર્ષથી બંધ હતો. એની એન્ટ્રી પતરાંથી બંધ કરવામાં આવી છે. એમ છતાં આ યુવક કેવી રીતે ત્યાં પહોંચી ગયો એની અમે તપાસ કરી રહ્યા છીએ. યુવકની ઓળખથી લઈને અન્ય બાબત વિશે અમે તપાસ કરી રહ્યા છીએ. પોલીસ મૃતદેહને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.’