પટનામાં શુક્રવારે આયોજિત વિપક્ષોની મીટિંગમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રેસિડન્ટ મેહબૂબા મુફ્તીની બાજુમાં બેસવા બદલ બીજેપી દ્વારા ટીકા કરવામાં આવતાં શિવસેના (યુબીટી)ના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે એનો જવાબ આપ્યો હતો
ફાઇલ તસવીર
રાજનીતિમાં ખુરશીનું જ નહીં, તમારી બાજુમાં કોની ખુરશી છે એનું પણ મહત્ત્વ હોય એમ જણાય છે. પટનામાં શુક્રવારે આયોજિત વિપક્ષોની મીટિંગમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રેસિડન્ટ મેહબૂબા મુફ્તીની બાજુમાં બેસવા બદલ બીજેપી દ્વારા ટીકા કરવામાં આવતાં શિવસેના (યુબીટી)ના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે એનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ સમજી-વિચારીને મુફ્તિની બાજુમાં બેઠા હતા. એટલું જ નહીં, ઉદ્ધવે બીજેપીના ટોચના લીડર્સની સાથે મેહબૂબા મુફ્તીના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા. નોંધપાત્ર છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષોની મીટિંગ વિશે કહ્યું હતું કે ‘વિપક્ષોએ મોદી હટાવો નામ આપ્યું છે, પરંતુ આ ગઠબંધન પરિવાર બચાવવા માટેનું છે. હું એ જોઈને આશ્ચર્યમાં મુકાયો છું કે જે ઉદ્ધવ ઠાકરે મેહબૂબા મુફ્તીની સાથે ગઠબંધન કરવા બદલ રોજ અમારી ટીકા કરતા હતા, પરંતુ હવે તેઓ મહેબૂબા મુફ્તીની બાજુમાં બેસીને અલાયન્સ કરવાની વાત કરી રહ્યા છે.’
પરિવારવાદ વિશેની દેવેન્દ્ર ફડણવીસની કમેન્ટ વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘હું મારા પરિવારને લઈને ખૂબ જ સંવેદનશીલ છું. આટલા નિમ્ન સ્તરે ના જાવ. તમારી પણ એક ફૅમિલી છે અને તમારી ફૅમિલી વિશેની વૉટ્સઍપ ચૅટ્સ જાહેરમાં આવી છે.’