મંગળવારે રાતે ૧૧ વાગ્યે થયેલું બ્રેકડાઉન ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે રિપેર થયું
દહાણુ સ્ટેશન પાસે ઓવરહેડ વાયર બ્રેકડાઉન થતાં લાંબા અંતરની ટ્રેનો સહિત દહાણુ લોકલ પર અસર થતાં પ્રવાસીઓ હેરાન-પરેશાન થયા હતા.
વેસ્ટર્ન રેલવેમાં ખાર-ગોરેગામ વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ ચાલતું હોવાથી ટ્રેનો રદ થતાં લોકલ અને એક્સપ્રેસના પ્રવાસીઓની હાલત બદતર થઈ રહી છે એવામાં ૩૧ ઑક્ટોબરે ૧૧ વાગ્યે દહાણુ રોડ સ્ટેશન પાસે ઓવરહેડ વાયર બ્રેકડાઉન થતાં વેસ્ટર્ન લાઇનની મેલ-એક્સપ્રેસ ટ્રેનો સહિત દહાણુ-વિરાર સર્વિસ પર એની અસર થઈ હતી. અપ લાઇન સવાબાર વાગ્યે ક્લિયર થઈ, જ્યારે ડાઉન લાઇન સવારે ૧૦.૨૫ વાગ્યે પુનઃ સ્થાપિત થઈ હતી. ચર્ચગેટ-વિરાર વચ્ચેની ઉપનગરીય ટ્રેનો પર આની કોઈ અસર થઈ નહોતી, પણ ગુજરાત જતી-આવતી મેલ ટ્રેનો અને દહાણુ-વિરાર લાઇન પર એની ખાસ્સી અસર જોવા મળી હતી, જેથી વિરાર-સુરત વિભાગનાં તમામ સ્ટેશનોએ ટ્રેનોને હોલ્ટ આપવામાં આવ્યો હતો. અમુક ટ્રેનો લાંબા સમયથી ઊભી રહી ગઈ હતી. ગોવા સંપર્ક ક્રાન્તિ એક્સપ્રેસ પસાર થતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.
દહાણુ તરફની ડાઉન લાઇનનો ઓવરહેડ વાયર તૂટવાને કારણે ગઈ કાલે સાંજ સુધી વાણગાંવ અને દહાણુ વચ્ચેની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ લોકલ ટ્રેનો કેળવે રોડ, પાલઘર, બોઇસર અને વાણગાંવથી છોડવામાં આવી હતી અને બોઇસર-દિવા ટ્રેન રદ કરવામાં આવી હતી. ઓવરહેડ વાયર બ્રેકડાઉનને કારણે ગુજરાત જતી ટ્રેનો કલાકો સુધી અટવાઈ ગઈ હતી.
આ વિશે વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘દહાણુ સ્ટેશન નજીક બુધવારે રાતે ૧૧ વાગ્યે ઓવરહેડ વાયર બ્રેકડાઉન થવાને કારણે વેસ્ટર્ન રેલવે માર્ગ પર ગુજરાત તરફ જતી ટ્રેનો મોડી દોડી હતી. અપ (મુંબઈ-બાઉન્ડ) લાઇન લગભગ ૧૨.૧૫ વાગ્યે રાત પછી ક્લિયર થઈ હતી, જ્યારે ડાઉન (ગુજરાત-બાઉન્ડ) લાઇન ગઈ કાલે સવારે ૧૦.૨૫ વાગ્યે પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી. ટ્રેનની અવરજવર સ્થાપિત કર્યા બાદ ઓવરહેડ બ્રેકડાઉન થયેલા વિભાગમાં સ્પીડ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને વિરાર-સુરત વિભાગનાં તમામ સ્ટેશનોએ ટ્રેનોને હોલ્ટ આપવામાં આવ્યા હતા. વાણગાંવ-દહાણુ સ્ટેશનો વચ્ચે બનેલી ઘટનાને કારણે મંગળવારે મોડી રાતે મુંબઈથી ઊપડેલી તમામ ટ્રેનો અટવાઈ ગઈ હતી.’
ADVERTISEMENT
બે કલાક બેઠા રહ્યા બાદ ટ્રેન કૅન્સલ થઈ
મલાડમાં રહેતા અને દરરોજ અપડાઉન કરતા ઉમંગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું દરરોજ બોરીવલીથી સવારે ૭.૨૦ વાગ્યાની મેમુ ટ્રેન પકડું છું. ગઈ કાલે અમે ટ્રેનમાં થોડા વખતમાં ટ્રેન ચાલુ થશે એ હિસાબે બેઠા હતા, પણ ટ્રેન ચાલુ જ થઈ નહોતી. એ પછી સાડાનવ વાગ્યે ખબર પડી કે ટ્રેન કૅન્સલ થઈ છે. એ પછી મેં ૯.૫૦ વાગ્યાની ટ્રેન પકડી હતી. આમ મને પહોંચતાં સામાન્ય રીતે બે કલાક થાય એટલે ૧૨ વાગ્યે પહોંચી જાઉં, પરંતુ ગઈ કાલે પહોંચતાં દોઢ વાગી ગયો હતો.’
બિકાનેર એક્સપ્રેસ પકડીને જવું પડ્યું
વિલે પાર્લે રહેતા અસિત દેસાઈએ જણાવ્યું કે ‘હું અંધેરીથી સવારે ૯.૧૯ વાગ્યાની દહાણુ લોકલ પકડીને પાલઘર ફૅક્ટરી જાઉં છું. ગઈ કાલે લાંબો સમય ટ્રેનની રાહ જોઈ પરંતુ ટ્રેન રદ થઈ અને આગળ ઘણી સમસ્યા હોવાને કારણે ફરી પાછો ઘરે જતો રહ્યો હતો. એ પછી બપોરે ૧૨.૫૬ વાગ્યાની બિકાનેર એક્સપ્રેસ પકડીને હું પાલઘર પહોંચ્યો હતો. ટ્રેનની સમસ્યાને કારણે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા હતા.’
એક્ઝામમાં જવામાં મોડું
દહાણુ-વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના સભ્ય મહેશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘વસઈથી રાતે ગોવા સંપર્ક ક્રાન્તિ એક્સપ્રેસ જતી હતી ત્યારે ઓવરહેડ વાયર તૂટ્યો હતો જેથી ગઈ કાલે પીક-અવર્સમાં પ્રવાસીઓના હાલ થયા હતા. રાણકપુર સવારે પાંચ વાગ્યે પાલઘર આવે છે, પરંતુ એ સવારે ૮.૩૦ વાગ્યે પહોંચી હતી. વલસાડ પૅસેન્જર, ફ્લાઇંગ રાણી ટ્રેનો દોઢ કલાક મોડી હતી. પીક-અવર્સમાં અનેક લોકલ ટ્રેનો રદ થઈ હતી, પણ મોડેથી એક્સપ્રેસ ટ્રેનોને દહાણુ, પાલઘર હોલ્ટ આપતાં અનેક સ્ટુડન્ટ્સ એક્ઝામ આપવા મોડા પહોંચ્યા હતા તેમ જ અનેક નોકરિયાતોએ હાફ-ડે ભરવો પડ્યો હતો.’
કેટલી ટ્રેનો પર અસર પડી?
૩૧ ઑક્ટોબરે રાતે ૧૧ વાગ્યે દહાણુ રોડ અને વાણગાંવ સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયર બ્રેકડાઉનને કારણે સવારે લગભગ ૧૨ મેલ-એક્સપ્રેસ અપ દિશામાં મોડી દોડી હતી, જ્યારે ૭ મેમુ ટ્રેનો રદ થઈ અને ૧૨ દહાણુ લોકલ ટ્રેનો રદ થતાં પ્રવાસીઓની હાલત કફોડી થઈ હતી.