પોલીસે દારૂ પીને વાહન ચલાવવા બદલ ૧૫૬ વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો, એની સરખામણીમાં ૨૦૧૯માં ૬૭૫૨ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી
થર્ટીફર્સ્ટની રાતે દાદર-ઈસ્ટમાં બાઇકચાલકની બ્રેથલાઇઝર ટેસ્ટ કરતી પોલીસ (તસવીર : આશિષ રાજે)
નવા વર્ષની પૂર્વસંધ્યાએ દારૂ પીને વાહન હંકારવાના મામલે મુંબઈ પોલીસે આ વર્ષે માત્ર ૧૫૬ લોકોને જ દંડ ફટકાર્યા હતા. આમ ડ્રિન્ક ડ્રાઇવિંગ કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. રોગચાળા પહેલાંના કેસની વાત કરીએ તો આ દિવસો દરમ્યાન ૫૦૦૦થી ૨૦,૦૦૦ જેટલા કેસ બનતા હતા. આ વર્ષે કેસની સંખ્યા માત્ર ૧૫૬ હતી. ૬૬ લોકોને બેફામ વાહન હંકારવા બદલ, તો ૨૪૬૫ લોકોને હેલ્મેટ વિના તેમ જ ૨૭૪ લોકોને ટ્રિપલ સવારી બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે ટ્રાફિક સિગ્નલ જમ્પ કરવા બદલ ૬૭૯ લોકોને તથા નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલાં ૩૦૯૭ વાહનો સામે પણ કાર્યવાહી કરી હતી. એની સરખામણીમાં ૨૦૧૬માં ૨૦,૭૬૮ લોકો પર દારૂ પીને ડ્રાઇવિંગ કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો, તો ૨૦૧૭માં આ સંખ્યા ૧૮,૦૫૬, ૨૦૧૮માં ૧૧,૭૧૧ જેટલી હતી. ૨૦૧૯માં પોલીસે ૬૭૫૨ કેસ નોંધ્યા હતા. કોઈ ઘટના ન બને એ માટે ૧૦,૦૦૦ કૉન્સ્ટેબલ, ૧૫૦૦ પોલીસ ઑફિસર અને ૨૫ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ તથા ૭ ઍડિશનલ કમિશનરને તહેનાત કરવામાં આવ્યા હતા.