ખૂબ જ પ્રસિદ્ધ અને સફળ નાટક ‘કાકાની શશી’નું એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીનાં અનુસ્નાતક ગુજરાતી વિભાગ સંચાલિત ‘અશ્વજ્યોત મહિલા થિયેટર’ દ્વારા મંચન કરવામાં આવશે.
લીલી પટેલ, સનત વ્યાસ
કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સંચાલિત ગુજરાતી ભાષા ભવન તથા ભારતની સૌપ્રથમ મહિલા યુનિવર્સિટી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીનાં અનુસ્નાતક ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે શનિવારે, ૨૯ માર્ચે સાંજે ૫.૦૦ વાગ્યે ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અવસરે પ્રથમ ગુજરાતી રંગભૂમિના આદ્યપિતા દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ દવેને યાદ કરવામાં આવશે તેમ જ પ્રોફેસર ડૉ. કવિત પંડ્યા દ્વારા તેમનાં જ નાટકો પર તૈયાર કરવામાં આવેલા ‘ગુર્જર રંગભૂમિના આદ્યપિતા : દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ દવે’ સંશોધન-સંપાદન ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ ગુજરાતી ભાષાની અસ્મિતાના ઉદ્ગાતા સુપ્રસિદ્ધ સાહિત્યકાર કનૈયાલાલ મુનશીનું ૧૯૨૪માં લખાયેલું ખૂબ જ પ્રસિદ્ધ અને સફળ નાટક ‘કાકાની શશી’નું એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીનાં અનુસ્નાતક ગુજરાતી વિભાગ સંચાલિત ‘અશ્વજ્યોત મહિલા થિયેટર’ દ્વારા મંચન કરવામાં આવશે.
આ સમગ્ર ઉત્સવમાં જાણીતા સાહિત્યકાર ડૉ. દિનકર જોષી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે KES સંસ્થાના પ્રમુખ મહેશ શાહ પણ હાજર રહેશે. આ પ્રસંગે ગુજરાતી રંગભૂમિ જેનાથી રળિયાત બની છે એવાં સમર્થ રંગકર્મી લીલીબહેન પટેલ ‘રંગલી’ અને સનત વ્યાસનું સન્માન કરાશે.
ADVERTISEMENT
સ્થળ : કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES), ટી.પી. ભાટિયા કૉલેજ, પંચોલિયા હૉલ, ત્રીજે માળે, શાંતિલાલ મોદી રોડ, કાંદિવલી રેક્રીએશન ક્લબની સામેના ગેટથી પ્રવેશ, કાંદિવલી-વેસ્ટ. સમય : સાંજે ૫.૦૦ કલાકે.
વિલે પાર્લેમાં શનિવારથી ત્રણ દિવસીય શાસ્ત્રીય નૃત્ય સંમેલન
સૂર સિંગાર સંસદ, મુંબઈ અને નાણાવટી પર્ફોર્મિંગ ઍન્ડ ફાઇન આર્ટ્સ ફોરમના સંયુક્ત ઉપક્રમે વિલે પાર્લે-વેસ્ટમાં વલ્લભભાઈ પટેલ રોડ પર આવેલા નાણાવટી કૉલેજ કૅમ્પસમાં ૬૫મા સ્વામી હરિદાસ સંગીત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર, ૨૯ માર્ચથી સોમવાર, ૩૧ માર્ચ દરમ્યાન દરરોજ સાંજે ૬ વાગ્યે યોજાનારા આ સંમેલનમાં દેશભરમાંથી આવેલા કલાકારો મણિપુરી, કુચ્ચુપડી, કથ્થક, ઓડિસી અને ભારત નાટ્યમ નૃત્ય રજૂ કરશે. ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગના સહયોગથી યોજાનારા આ સંમેલનમાં પ્રવેશ નિઃશુલ્ક છે. સંસ્થાના ચૅરમૅન પંડિત અનુપ જલોટા દ્વારા સૌ રસિકજનોને ભાવભર્યું આમંત્રણ છે. વધુ વિગતો માટે એમ. કે. પટેલનો 93220 02677 અથવા વી. નરહરિનો 98330 75522 નંબર પર સંપર્ક કરવો.

