સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટૅચ્યુ ઑફ યુનિટીથી પણ વધુ ઊંચું ૧૯૦થી ૨૦૦ મીટરનું હશે: લવાસા ટાઉન-કમ-હિલ સ્ટેશન ખરીદનારી કંપની બનાવશે
ફાઇલ તસવીર
નર્મદા નદીના કાંઠે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનું ૧૮૨ મીટરનું સૌથી ઊંચું સ્ટૅચ્યુ બનાવવામાં આવ્યું છે. જોકે ઊંચાઈનો આ રેકૉર્ડ આ વર્ષના અંત સુધીમાં તૂટવાની શક્યતા છે, કારણ કે પુણેમાં આવેલા લવાસા ટાઉન-કમ-હિલ સ્ટેશનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ૧૯૦થી ૨૦૦ મીટરની ઊંચાઈનું સ્ટૅચ્યુ બનાવવામાં આવશે. લવાસા હિલ સ્ટેશન ખરીદનારી ડાર્વિન નામની કંપની દ્વારા આ સ્ટૅચ્યુ બનાવવામાં આવશે. ડાર્વિન પ્લૅટફૉર્મ ગ્રુપ ઑફ કંપનીના અધ્યક્ષ અજય હરિનાથ સિંહના જણાવ્યા મુજબ આ આયોજનમાં ઇઝરાયલ, જર્મની, ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરબિયા અને અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ સામેલ થશે.
અજય હરિનાથ સિંહના જણાવ્યા મુજબ આ સ્ટૅચ્યુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રમાં અખંડ એકતા રાખવા માટે તેમના દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને સમર્પિત હશે. નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા લવાસા સિટી યોજનાને મંજૂરી આપવામાં આવ્યા બાદ આ શાનદાર સ્ટૅચ્યુ ઊભુ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ડાર્વિન કંપનીના પ્રવક્તાએ આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘લવાસામાં જે જગ્યાએ સ્ટૅચ્યુ ઊભું કરવામાં આવશે ત્યાં દેશની વિરાસત અને નવા ભારતની આકાંક્ષાઓ પ્રદર્શિત કરવા માટે એક મ્યુઝિયમ, એક સ્મારક ઉદ્યાન, મનોરંજન કેન્દ્ર અને એક પ્રદર્શનનો હૉલ પણ હશે. પ્રદર્શનના હૉલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને તેમની ઉપલબ્ધિઓની ઝલક જોવા મળશે. આ સાથે વડા પ્રધાન દ્વારા નવા ભારતના નિર્માણમાં તેમણે આપેલા યોગદાનને પણ પ્રદર્શિત કરવામાં આવશે.’
પુણે જિલ્લામાં કુદરતી સંપત્તિ મોટા પ્રમાણમાં આવેલી છે. આથી આ જિલ્લામાં અનેક પર્યટનસ્થળો આવેલાં છે. લોનાવલા, ખંડાલા જેવા હિલ સ્ટેશનની સાથે આ જિલ્લામાં દેશનું પહેલ વહેલું પ્રાઇવેટ હિલ સ્ટેશન લવાસામાં આકાર લઈ રહ્યું છે. ૧૯૦થી ૨૦૦ મીટરની ઊંચાઈવાળું દુનિયાનું સૌથી ઊંચું સ્ટૅચ્યુ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં તૈયાર થઈ જવાની શક્યતા છે.
મુંબઈના ડાર્વિન ગ્રુપે લવાસા હિલ સ્ટેશન ખરીદવા માટે સૌથી વધુ ૧,૮૧૪ કરોડ રૂપિયાની બિડ ભરી હતી. આથી રાજ્ય સરકારે આ હિલ સ્ટેશન આ કંપનીને ફાળવ્યું છે. કંપની સરકારને આઠ વર્ષમાં ૧,૮૧૪ કરોડ રૂપિયાનું પેમેન્ટ કરશે. બૅન્કના ૯૨૯ કરોડ અને ઘર ખરીદવા માટે ૪૩૮ કરોડ રૂપિયાની ભરપાઈ કંપની દ્વારા કરવામાં આવશે. લવાસામાં આવેલી ૧૨,૫૦૦ એકર જમીનમાં હિલ સ્ટેશન નવેસરથી બનાવવામાં આવી રહ્યું છે.

