આજે વર્લ્ડ કિડની ડે: ભગવાન આશીર્વાદ આપશે કિડની નહીં, બહેને આપી
કલ્પના સોની અને વિજય ભેદા
ભાઈ-બહેનના અતૂટ સંબંધને કોઈ સીમાડા નડતા નથી એ ફરી એક વાર સાબિત થયું છે. વિશ્વ કિડની દિવસની પૂર્વસંધ્યાએ મૂળ કચ્છના વડાલામાં રહેતાં ઘાટકોપરનાં ૫૮ વર્ષનાં કલ્પના દીપક સોનીએ સાંતાક્રુઝમાં રહેતા પંચાવન વર્ષના નાના ભાઈ વિજય ભેદાને પોતાની કિડની ડોનેટ કરીને જીવનદાન આપ્યું છે. કચ્છી વીશા ઓસવાળ સ્થાનકવાસી જૈન જ્ઞાતિનાં આ ભાઈ-બહેન વચ્ચેના જબરદસ્ત બૉન્ડિંગના કારણે જ આ શક્ય બન્યું છે.
કમ્પ્યુટર હાર્ડવેરનો વ્યવસાય કરતા અને મૂળ કચ્છના કપાયાના વતની વિજયભાઈને બે વર્ષ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ પડતાં હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં સીકેડી (ક્રોનિક કિડની ડિસીઝ) આવતાં ફૅમિલીને આંચકો લાગ્યો હતો. તેમનાં પત્ની વર્ષા ભેદાએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય એવો આઘાત લાગ્યો હતો. અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરવાનું છે એ સ્વીકારી લીધું, પણ શરીર કથળતાં ચિંતા વધી ગઈ. મારાથી તેમની પીડા જોવાતી નહોતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય એવા દરદીઓની ફૅમિલી સાથે વાતચીત કર્યા બાદ અમે લોઅર પરેલની ગ્લોબલ હૉસ્પિટલના ડૉક્ટર ભરત શાહને મળ્યા. વાસ્તવમાં મારે જ હસબન્ડને કિડની આપવી હતી, પરંતુ ડૉક્ટરે સલાહ આપી કે ભાઈ-બહેનમાંથી કોઈ આપે તો બેસ્ટ છે. નસીબજોગે ચારેય નણંદ અને દિયરે પોતાની કિડની આપવાની તૈયારી બતાવી અને બધી બહેનોએ મેડિકલ ટેસ્ટ કરાવી. એમાંથી કલ્પનાબહેનની કિડની મૅચ થઈ. પોતાની કિડની આપી તેમણે અમને જીવનભરના ઋણી બનાવી દીધા છે.’
કિડની ફેલ્યર વિશે જાણ્યા બાદ વિજયભાઈના પરિવારને આઘાત લાગ્યો હતો એવો જ શૉક દીપકભાઈને લાગ્યો જ્યારે તેમનાં પત્ની કલ્પનાએ ભાઈને કિડની ડોનેટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. કલ્પનાબહેનના પુત્ર અંકુરે કહ્યું કે ‘મમ્મી પહેલેથી હેલ્થ-કૉન્શ્યસ છે. તે રોજ યોગ અને વૉકિંગ કરે છે. મામાને કિડની ડોનેટ કરવાની વાતથી પપ્પાને થોડો ભય લાગ્યો હતો. અમે બન્ને ભાઈ-બહેન સેટલ છીએ, જ્યારે મામાની બન્ને દીકરી અને દીકરો હજી યંગ હોવાથી મમ્મી એક જ વાત કરતાં કે મામા તેમની સામાજિક જવાબદારી પૂરી કરી શકે એટલા સ્વસ્થ રહેવા જોઈએ. મમ્મીનો વિલ પાવર જોઈને પપ્પાએ હા પાડી હતી.’
ADVERTISEMENT
જોકે ત્યાર બાદ અંકુરે ઑપરેશન પહેલાં ભાઈ-બહેન વચ્ચે થયેલી વાતચીતના અંશો ‘મિડ-ડે’ સાથે શૅર કરતાં કહ્યું હતું કે ‘મંગળવારે ડૉક્ટર અમુક ઇન્સ્ટ્રક્શન આપવા માટે આવ્યા હતા. ત્યારે માહોલ થોડો ઇમોશનલ થઈ ગયો હતો. ડૉક્ટરે જ્યારે મામાને કહ્યું કે તમે નસીબદાર છો કે તમને બહેન પાસેથી કિડની મળી રહી છે ત્યારે મામાના મોઢામાંથી નીકળી ગયું હતું કે ભગવાન પણ ધરતી પર આવશે તો મને આશીર્વાદ આપશે, કિડની તો નહીં જ આપી શકે. આ કામ મોટી બહેને કરીને મને જિંદગીભરનો કર્જદાર બનાવી દીધો છે.’
છ ભાઈ-બહેનમાં કલ્પનાબહેન સૌથી મોટાં છે અને વિજયભાઈનો ત્રીજો નંબર છે. સમાજમાં આજેય સમપર્ણની ભાવના મરી પરવારી નથી એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ડૉક્ટર શું કહે છે?
બુધવારે સવારે ચાર કલાક ચાલેલા ઑપરેશન સંદર્ભે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં નેફ્રોલૉજિસ્ટ ડૉ. ભરત શાહે કહ્યું હતું કે ‘ઑપરેશન સારી રીતે પૂરું થયું છે અને બન્નેની તબિયત સારી છે. ડોનરને બે દિવસ બાદ તેમ જ પેશન્ટને છ દિવસ બાદ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીશું. ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરના દરદીઓને કિડનીનું ધ્યાન રાખવાની અમે સતત ભલામણ કરીએ છીએ જેથી ભવિષ્યમાં ડાયાલિસિસનો વારો ન આવે. આજે લોકો ડાયાલિસિસ માટેનાં ફ્રી સેન્ટરો ખોલીને હરખાય છે, પરંતુ પેશન્ટ માટે આ થકવી નાખનારી પ્રોસીજર છે. આ પીડામાંથી પેશન્ટ મુક્ત થાય તેમ જ તેની આગળની લાઇફ સારી જાય એ માટે ટ્રાન્સપ્લાન્ટ બેસ્ટ ઉપાય છે. પેશન્ટના નસીબે તેમને ઘરમાંથી કિડની મળી ગઈ. બાકી એવા ઘણા પેશન્ટ જોયા છે જેમને કિડની માટે લાંબી રાહ જોવી પડે છે. દરેક વ્યક્તિએ ઑર્ગન ડોનેશન કાર્ડ સાઇન કરીને સોસાયટીને મદદરૂપ થવું જોઈએ.’

