૧.૬ કિલોમીટરનો કનેક્ટર બ્રિજ બાંધવાના સ્થળની મુલાકાતે ગયા હતા
તળ મુંબઈના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે નરીમાન પૉઇન્ટ અને કફ પરેડ વચ્ચે
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના તંત્રે દક્ષિણ મુંબઈના નરીમાન પૉઇન્ટ અને કફ પરેડ વચ્ચે કનેક્ટર બ્રિજ બાંધવાની યોજનાના અમલની તૈયારી કરી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ વિધિઓ પૂરી થાય તો ૨૦૨૨માં બાંધકામ શરૂ થવાની શક્યતા છે. ૧.૬ કિલોમીટરનો આ બ્રિજ બંધાઈ જતાં ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ આવવાની આશા રાખવામાં આવે છે. સ્થળની સ્થિતિ અને યોજનાની તૈયારીનો અંદાજ મેળવવા માટે તાજેતરમાં રાજ્યના પર્યટન અને પર્યાવરણ ખાતા તેમ જ તળ મુંબઈના પાલક પ્રધાનનો અખત્યાર સંભાળતા આદિત્ય ઠાકરે અને એમએમઆરડીએના મેટ્રોપૉલિટન કમિશનર એસ. વી. આર શ્રીનિવાસે એ વિસ્તારની મુલાકાત લીધી હતી. શ્રીનિવાસે જણાવ્યું હતું કે ‘યોજના ૨૦૨૨ સુધીમાં શરૂ થવાની ધારણા છે. બ્રિજનું બાંધકામ પૂરું થયા પછી ફોર્ટ, નેવીનગર, કોલાબા અને ચર્ચગેટ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ હળવી થશે. હજી આ યોજના માટે પર્યાવરણ, તટરક્ષક દળ અને નૌકાદળની પરવાનગીઓ મેળવવાની બાકી છે.’
આદિત્ય ઠાકરેએ બ્રિજના બાંધકામને કારણે માછીમારો અને માછીમારીના વ્યવસાયને મુશ્કેલી નહીં થાય એની ખાતરી ઉચ્ચારી હતી.

