Wome's Day:જ્યારે દહેજ દૂષણના વિરોધમાં ડૉ. વિભૂતિ પટેલે છોડ્યું સોનું
ડૉ. વિભૂતિ પટેલ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને બે જ દિવસ બાકી છે ત્યારે ગુજરાતી મિડ-ડેએ શરૂ કરેલી Wome's Day seriesમાં આજે જાણો એવી મહિલા વિશે જેણે દહેજ દૂષણના વિરોધમાં પોતે સોનું નહીં પહેરે તેવો નિર્ણય લીધો અને તે નિર્ણય સાથે આજે પણ મક્કમ છે. જાણો તેમની કહાની તેમની પોતાની જુબાની
ADVERTISEMENT
ડૉ. વિભૂતિ પટેલ પોતે એસ.એન.ડી.ટી મહિલા વિદ્યાપીઠમાં પ્રૉફેસર તરીકે કામગીરી બજાવી ચૂક્યાં છે. ગુજરાતી મિડ-ડેએ જ્યારે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમના જીવનમાં એવી કઈ ઘટનાઓ બની જેને કારણે તેમણે આજીવન સોનું ન પહેરવાનો નિર્ણય લીધો અને આજે પણ તે પોતાના આ નિર્ણય પર અડીખમ છે.
ચોથા ધોરણમાં હતાં ત્યારે જ છોડી દીધું સોનું
બાળપણથી જ જોયું છે કે તે વખતે સમાજમાં દહેજ આપવાની પ્રથા હતી. દીકરીને કેટલું સોનું-ચાંદી આપવામાં આવે છે તે બધાંને બતાવવામાં આવે અથવા વહુ પરણીને નવી નવી ઘરે આવી હોય તે તેને શું આપવામાં આવ્યું છે તે જોવા માટે લગભગ આખું કુટુંબ પરિવાર આવે. પોતે પણ એવા જ સમાજનો એક ભાગ છે તેથી પોતાને પણ એક સમયે આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે એવી જાણ થતાં મજાક મજાકમાં કહી દીધેલું કે તે સોનું નહીં પહેરે. આમ વિભૂતિ પટેલમાં સ્પષ્ટવક્તાના ગુણ તો બાળપણથી જ હતા.
રમત રમતમાં મમ્મીનું મંગળસૂત્ર સ્કૂલમાં પહેરી જતાં ઘરે આવેલા પત્રની અસર
બાળપણમાં લગભગ બધી જ છોકરીઓ પોતાની મમ્મીના ઘરેણાંથી રમતી હોય છે અને તે જ પ્રમાણે વિભૂતિ પટેલ પણ પોતાની મમ્મીના દાગીનાથી રમતાં હતાં. તેમણે રમવા માટે મમ્મીનું મંગળસૂત્ર પહેરેલું અને તે ખાસ્સું વજનદાર પણ હતું. તે સમયની વાત કરતાં ડૉ. વિભૂતિ પટેલ જણાવે છે કે, "મારી મમ્મીને પણ ખાસ બહુ ઘરેણાં પહેરવાનો શોખ નહોતો પણ બધાં આવે તો જુએ કે વહુએ કેટલું સોનું પહેરી રાખ્યું છે અને તેના પરથી નક્કી થાય કે તે કેટલા પૈસાદાર છે. આવા કારણોસર મમ્મી પોતાના દાગીના મોટાભાગે રસોડામાં ઘઉં-ચોખાની બરણીઓ પાછળ સંતાડી રાખતી, કોઇક મહેમાન આવે કે અમે બૂમ પાડીએ એટલે મમ્મી ફટાફટ એ દાગીના પહેરી લે. આમ એક વખત મેં રમવા માટે મમ્મીનું મંગળસૂત્ર પહેર્યું. રાતે મોડું થઈ ગયું એટલે એમ જ સૂઇ ગઈ અને સવારે વહેલી સ્કૂલ હોવાથી ઉતાવળમાં ધ્યાનમાં ન રહ્યું કે મમ્મીનું મંગળસૂત્ર પહેરેલું જ છે."
આ વિશે વધુ ઉમેરતાં તેમણે જણાવ્યું કે, "મારા નાની તે વખતે તે જ સ્કૂલમાં શિક્ષિકા હતાં, તેમણે આ મંગળસૂત્ર મારા ગળામાં જોયું અને તેમણે મમ્મીને પત્ર લખ્યો કે, તમારી પાસે બહુ સોનું છે તે બતાવવાની જરૂર નથી. અને આ પત્ર બાદ મને ખૂબ જ ખરાબ લાગ્યું અને મેં નક્કી કર્યું કે હવેથી હું ક્યારેય સોનું નહીં પહેરું."
નાની ઉંમરમાં જ નક્કી કર્યું કે, "જે મારા વ્યક્તિત્વને પ્રેમ કરશે તેને પરણીશ"
બાળપણથી મુક્તવિચારધારા ધરાવતાં વિભૂતિ પટેલે જે દહેજપ્રથા અને તેનું પ્રદર્શન જોયું, પ્રદર્શન દરમિયાન વહુ જે અપમાનનો અનુભવ કરે છે તેના વિશે વિચારી તેમણે નક્કી કર્યું કે જે તેમના વ્યક્તિત્વને પ્રેમ કરશે ન તો પૈસા કે સોનાને તેની સાથે તેઓ લગ્ન કરશે. અને ખરેખર તેમણે પોતાના લગ્ન કૉર્ટમાં કર્યાં એટલું જ નહીં તેમણે ન તો પોતાના પિયર પક્ષમાંથી આશીર્વાદ અને ભણતર સિવાય કશાનો સ્વીકાર કર્યો કે ન તો સાસરા પક્ષમાંથી.
આમ ડૉ. વિભૂતિ પટેલે 1977માં ડૉ. અમર જેસાની સાથે લગ્ન કર્યા અને સુખી લગ્નજીવન તો વિતાવી જ રહ્યા છે સાથે આજે તેઓ સફળ પ્રૉફેસર અને જાણીતાં સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. તેમણે ભારતીય સંવિધાનમાં મહિલાઓ માટેના અનેક કાયદાઓ ઘડાય તે માટે મહત્વનું યોગદાન પણ આપ્યું છે.