આવું માનતી અંધેરીની એક પત્નીએ કુટુંબના કહેવા પ્રમાણે ચાલતા પતિને પોતાના કન્ટ્રોલમાં કરવા માટે ધુતારા જ્યોતિષીને પૈસા આપવા ૧૩ વર્ષ જૂના પ્રેમીની મદદ લઈને ઘરમાંથી ૫૯ લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી
પ્રતીકાત્મક તસવીર
અંધેરીમાં રહેતી એક મહિલાનો પતિ કુટુંબમાં મોટા ભાઈ અને અન્ય વડીલોના કહેવા પ્રમાણે ચાલતો હોવાથી તેને પોતાના કન્ટ્રોલમાં કરવા માટે મહિલાએ સોશ્યલ મીડિયા પરના એક જ્યોતિષીની મદદ લીધી હતી. એ જ્યોતિષીને કાળો જાદુ કરવા માટે પૈસા આપવા જૂના પ્રેમીની મદદ લઈને તેણે પોતાના જ ઘરમાં રાખેલા આશરે ૫૯ લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આની જાણ પતિને થવાથી તેણે પહેલાં પૈસા કઢાવવાની કોશિશ કરી હતી. એ પછી પણ પૈસા પાછા ન મળતાં તેણે પવઈ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
અંધેરી-ઈસ્ટના મરોલ વિસ્તારમાં મિલિટરી રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને એમઆઇડીસીમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રિન્ટિંગનું કામકાજ કરતા રામજી પટેલ (નામ બદલ્યું છે)એ કરેલી ફરિયાદ અનુસાર તે ૩૮ વર્ષની પત્ની અને બે બાળકો સાથે રહે છે. રામજીભાઈની પત્નીનું પરેશ ગડા નામની એક વ્યક્તિ સાથે ૧૩ વર્ષ પહેલાં અફેર હતું, પરંતુ રામજીભાઈને એની જાણ થઈ ત્યારે મામલો પરસ્પર ઉકેલાઈ ગયો હતો અને પત્નીએ પ્રેમસંબંધનો અંત લાવી દીધો હતો. ૧૩ ઑક્ટોબરે રામજીભાઈએ કર્મચારીઓને દિવાળીનું બોનસ ચૂકવવા માટે ઘરે કબાટમાં ૩૫ લાખ રૂપિયા રોકડા રાખ્યા હતા અને એની તેમણે પત્નીને પણ જાણ કરી હતી. ૧૮ ઑક્ટોબરે પૈસાની જરૂર હોવાથી પૈસા કાઢવા ગયા ત્યારે કબાટમાંથી રોકડ ગુમ થઈ ગઈ હોવાની જાણ થઈ હતી. તેમણે પત્નીને આ વિશે પૂછ્યું ત્યારે તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ રામજીભાઈએ તેમના મોટા ભાઈ સાથે રાખીને પત્નીને પૈસા વિશે પૂછ્યું હતું. ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે પતિ સાથેના નિયમિત ઝઘડાથી હતાશ થઈ તેણે તેને પોતાના સંપૂર્ણ નિયંત્રણ લેવા માટે જ્યોતિષીને પૈસા ચૂકવ્યા હતા.
ADVERTISEMENT
પવઈ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર જ્યોતિષી બાદલ શર્માની જાહેરાત જોઈ હતી. તેણે તેની સમસ્યા જ્યોતિષી સામે રાખી હતી. જ્યોતિષીએ કાળા જાદુ દ્વારા તેની સમસ્યા હલ કરવાનું વચન આપ્યું હતું. એ પછી મહિલાએ તેના જૂના બૉયફ્રેન્ડ પરેશ ગડાને આની જાણ કરી હતી. ત્યાર બાદ તેણે પરેશ ગડાની મદદથી જ્યોતિષીને આશરે બે મહિનામાં ૫૯ લાખ રૂપિયાના દાગીના અને રોકડ આપ્યાં હતાં. ફરિયાદીએ વાતચીત દ્વારા રોકડ અને કીમતી સામાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ પાછાં ન મળતાં તેણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની પત્નીએ ખુલાસો કર્યો હતો કે તેનો પતિ તેના કુટુંબના સભ્યોની વાત માનીને ઘરમાં બધું કરતો હતો એટલે ઘરમાં કેટલીક વાર ઝઘડા થતા હતા. એ માટે તેણે જ્યોતિષીની મદદ લેવાનો નિર્ણય લીધો હતો.’