લગ્નની વેબસાઇટ પરથી યુવતી પસંદ કરીને ૪.૯૦ લાખ રૂપિયાનાં કપડાં અને જ્વેલરી અપાવ્યા બાદ જાણ થઈ કે તેનાં અગાઉ જ મૅરેજ થઈ ગયાં છે : યુવકે તેની સાથે સંબંધ તોડી નાખતાં યુવતીએ આપી ધમકી
Crime News
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલીના ચારકોપમાં રહેતા ૨૮ વર્ષના આઇટી એન્જિનિયર યુવાને લગ્ન સંબંધી વેબસાઇટ પરથી એક યુવતી પસંદ કરી હતી. એ પછી તેના પરિવારના સભ્યોને મળ્યા બાદ લગ્નનું નક્કી થયું હતું. લગ્ન માટે યુવતીને આશરે ૪.૯૦ લાખ રૂપિયાના દાગીના અને કપડાંની ખરીદી પણ યુવકે કરાવી હતી. ત્યાર બાદ યુવક સોશ્યલ મીડિયા જોઈ રહ્યો હતો ત્યારે તેણે તે યુવતીનો ફોટો અન્ય યુવક સાથે જોયો હતો. એની તપાસ કરતાં જાણ થઈ હતી કે યુવતીનાં લગ્ન અગાઉ એક યુવાન સાથે થઈ ગયાં છે. યુવતીને આ વિશે પૂછવામાં આવતાં તેણે યુવકને ધમકી આપી હતી કે તારા પર બળાત્કારનો કેસ કરીશ અને તારે જો આમાંથી બચવું હોય તો ૫૦ લાખ રૂપિયા આપ. જોકે યુવકે પોતાની સાથે થયેલી છેતરપિંડીની ઘટનાની ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કાંદિવલી-વેસ્ટમાં ચારકોપમાં એકતાનગરમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષના આઇટી એન્જિનિયર અંકિત સિંહે કરેલી ફરિયાદ અનુસાર ૧૨ મેએ તેની શાદીડોટકૉમ પર સુપ્રિયા સિંહ નામની યુવતી સાથે ઓળખ થઈ હતી. તેણે પોતાનો નંબર અંકિતને શૅર કર્યો હતો. ત્યાર બાદ યુવતીની માતાએ અંકિતને તેની કુંડળી મોકલવા કહ્યું હતું. થોડા વખત પછી સુપ્રિયાની મમ્મીએ ફોન કરી કહ્યું હતું કે મારી પુત્રીને મંગળ છે અને અંકિતને પણ મંગળ છે એટલે બન્નેની કુંડળી મળી રહી છે. એ પછી બીજી ઑક્ટોબરે બન્નેની સગાઈ નક્કી કરવામાં આવી હતી. નેકલેસ, કપડાં, કન્યા પક્ષ માટે કપડાં, તેમના માટે રિટર્ન ગિફ્ટ, હૉલનું ભાડું એમ કુલ ૪.૯૦ લાખ રૂપિયા અંકિતે સુપ્રિયાને આપ્યા હતા. ત્યાર બાદ બન્નેની સગાઈ કરવામાં આવી હતી. બીજી નવેમ્બરે અંકિત પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોઈ રહ્યો હતો ત્યારે સુપ્રિયાનો ફોટો અશુ ઉર્ફે અશરફ સાથે જોવા મળ્યો હતો. એ પછી અંકિતે અશરફને મેસેજ કરીને તમામ માહિતી જાણી હતી. અશરફે કહ્યું હતું કે તે સુપ્રિયાનો પતિ છે. તેણે એના કેટલાક પુરાવા પણ મોકલ્યા હતા. એ પછી અંકિતે પોતાના પરિવારને કહ્યું હતું કે તે સુપ્રિયા સાથે લગ્ન કરશે નહીં અને તેની સાથેના બધા સંબંધ તોડી નાખ્યા હતા. અંતે સુપ્રિયાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું અને અંકિતના ઘરે આવી ૫૦ લાખ રૂપિયાની માગણી કરી હતી, જે ન આપતાં બળાત્કાર અને કિડનૅપિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. એકાએક બનેલી ઘટનાથી ગભરાઈને અંકિતે ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ચારકોપ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ ઘટનામાં ફરિયાદી પાસે અલગ-અલગ કારણસર લગ્નની લાલચ બતાવીને પૈસા પડાવવામાં આવ્યા છે. હાલમાં અમે આ ગુનામાં સામેલ સુપ્રિયા સંતોષ સિંહ, પિતા સંતોષ સિંહ, માતા સુનીતા સંતોષ સિંહ, બહેન આયુષી સંતોષ સિંહ, ભાઈ આદર્શ સંતોષ સિંહ, મામા રાકેશ સિંહ સામે છેતરપિંડી અને ખંડણીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપીઓની શોધ અમે ચલાવી રહ્યા છીએ.’