Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્રમાં મુંબઈને લઈને રાડો થવાની શક્યતા

આજથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્રમાં મુંબઈને લઈને રાડો થવાની શક્યતા

07 December, 2023 09:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીએમસીમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દે બીજેપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરેને ઘેરવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


આજથી નાગપુરમાં રાજ્યની વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ અધિવેશનમાં મુંબઈને લઈને રાડો થવાની શક્યતા છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નિશાન બનાવાઈ રહ્યા છે ત્યારે આ સત્રમાં ઠાકરે જૂથને ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરવા માટેની રણનીતિ બનાવી હોવાનું સૂત્રોએ કહ્યું છે. સામાન્ય રીતે અધિવેશનમાં ખેડૂતો અને રાજ્યના ગંભીર વિષયો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવે છે, પણ આ વખતે મુંબઈમાં અને ખાસ કરીને મુંબઈ બીએમસીના કથિત ભ્રષ્ટાચારને મોટો મુદ્દા બનાવવામાં આવે એવું લાગી રહ્યું છે.


બીએમસી દ્વારા આપવામાં આવતા રોડ બનાવવાથી લઈને વિવિધ કૉન્ટ્રૅક્ટમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કર્યો હતો અને મુખ્ય પ્રધાનને ઘેર્યા હતા. શિયાળુ સત્રમાં સરકાર ઉદ્ધવ ઠાકરે અને તેમના સાથીઓ પર કોરોનાના સમયના કૌભાંડ, રસ્તાનો ભ્રષ્ટાચાર, નાળાંની સફાઈ કે ખીચડી કૌભાંડના મુદ્દે પલટવાર કરશે. ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય સુનીલ પ્રભુએ પણ કહ્યું છે કે બીએમસીના ક‌હેવાતા કૌભાંડનો પ્રશ્ન રાજ્ય સરકાર ઉખેળશે તો તેમને પણ જોરદાર જવાબ આપવામાં આવશે. સત્રમાં દૂધ કા દૂધ ઔર પાની કા પાની હો જાએગા.



આ સિવાય આવતા વર્ષે યોજાનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અધિવેશનમાં કેટલીક મોટી જાહેરાત પણ કરી શકે છે. આ માટે રાજ્યના તમામ સમાજ માટે કઈ યોજના આપી શકાય અને ભવિષ્યમાં શું આપી શકાશે એનો અભ્યાસ કરવાની તમામ વિભાગને સૂચના આપવામાં આવી હતી.


વિધાનસભાના અધિવેશનની પૂર્વસંધ્યાએ સરકાર દ્વારા ટી-પાર્ટીનું આયોજન કરવાની પરંપરા છે. એ મુજબ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાને સાંજે પાંચ વાગ્યે આવી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિરોધ પક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે વિરોધ પક્ષોએ આ પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘અમને ટી-પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું; પરંતુ રાજ્યમાં ગુનેગારી, ખેડૂતોની આત્મહત્યા, રમખાણ અને ડ્રગ્સના કેસને રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે એટલે આવી સરકાર સાથે ટી-પાર્ટી કરવી એ અયોગ્ય હોવાનું અમને લાગ્યું હતું. એથી અમે એનો બહિષ્કાર કર્યો હતો.’

૧૦૦ મોરચા સરકારની ઠંડ‌ી ઉડાવશે
નાગપુરમાં આજથી શરૂ થઈ રહેલા રાજ્યના વિધાનસભાના શિયાળુ સત્ર વખતે વિવિધ મુદ્દા પર ૧૦૦ જેટલા મોરચા કાઢવામાં આવવાની શક્યતા છે. ‌અધિવેશન દરમ્યાન રાજ્યનાં વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા નાગપુરમાં ૧૦૦ મોરચા કાઢવાની પરવાનગી માગવામાં આવી છે. આમાંથી અત્યાર સુધી ૪૫ મોરચાને પરવાનગી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આથી અધિવેશન દરમ્યાન વિધાનસભાની અંદર ગરમાગરમી ચાલતી હશે ત્યારે વિધાનસભાની બહાર પણ આંદોલનની ગરમી જોવા મળશે, જેને પગલે ભરશિયાળે સરકારને પરસેવો વળી શકે છે.


રાજ્યની અર્થવ્યવસ્થા ૩૫ લાખ કરોડની થઈ
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ટી-પાર્ટીના આયોજન બાદ પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘રાજ્યની અર્થવ્યવસ્થા ૧૬ લાખ કરોડ રૂપિયાની હતી, જેમાં પ્રચંવડ વધારો થવાથી હવે ૩૫ લાખ કરોડની થઈ છે. રાજ્યમાં અસંખ્ય ડેવલપમેન્ટનાં કામ ચાલી રહ્યાં છે, જેને પગલે અર્થવ્યવસ્થામાં ધરખમ સુધારો થઈ રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને વિવિધ પ્રકારની યોજનામાં રાજ્ય સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ કરવામાં આવ્યું છે એટલે આગામી સમયમાં રાજ્યની આર્થિક શક્તિમાં હજી વધારો થશે. 

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2023 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK