બીએમસી અધિકારીઓના મતે અંધેરીમાં રેલવે ટ્રૅક પરના લોકલ અને બહારની ટ્રેનોના ટ્રાફિકને જોતાં રેલવે પ્રશાસન પણ ઝડપથી કામ પૂરું કરી શકે એમ નથી
બ્રિજના ડિમોલિશન માટે જ સંખ્યાબંધ રેલવે બ્લૉકની જરૂર પડશે એમ બીએમસીનું કહેવું છે. ફાઇલ તસવીર: નિમેશ દવે
વેસ્ટર્ન રેલવેએ અંધેરીમાં આવેલા ગોખલે બ્રિજના ડિમોલિશનનું કામ પૂરું કર્યું અને એની સાથોસાથ સુધરાઈએ પણ એના નિર્માણનું કામ શરૂ કર્યું હતું. એમ છતાં ૩૧ મેની ડેડલાઇન પહેલાં બ્રિજ શરૂ થાય એવું લાગતું નથી. રેલવે ટ્રૅક પર થાંભલાઓના નિર્માણ માટે ઓછામાં ઓછા છથી સાત બ્લૉકની જરૂર પડે એમ છે, પરંતુ આ રેલવે ટ્રૅક પર દિવસ દરમ્યાન અનેક લોકલ અને બહારગામની ટ્રેનો પસાર થતી હોય છે જે જોતાં એ ભારે પડકારરૂપ છે.
અંધેરી રેલવે સ્ટેશન પાસે આવેલા ગોખલે બ્રિજનો પૂર્વ તરફનો ભાગ જર્જરિત અને જોખમી હોવાનું સ્ટ્રક્ચરલ રિપોર્ટમાં બહાર આવ્યા બાદ એને નવેમ્બરના પહેલા સપ્તાહમાં બંધ કરવામાં આવ્યો હતો. સુધરાઈ દ્વારા એના પુન:નિર્માણનું કામ ચાલી રહ્યું છે તો વેસ્ટર્ન રેલવેએ ટ્રૅક પર આવેલા પુલના ભાગનું ડિમોલિશન પૂરું કર્યું છે અને કાટમાળ ઉપાડી રહી છે. સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સુધરાઈએ નવા નિર્માણ માટે ટેન્ડરિંગ, સાઇટ મેઝરમેન્ટ, ગર્ડર તેમ જ અન્ય પાર્ટ બનાવવાનું ફૅક્ટરીમાં શરૂ પણ કર્યું છે, પરંતુ જ્યાં સુધી ડિમોલિશનનું તમામ કામ પૂરું ન થાય અને અમને બ્લૉક ન મળે ત્યાં સુધી પાઇલિંગ ઍન્ડ ફાઉન્ડેશનનું કામ થશે નહીં. ડિમોલિશન માટે માત્ર છ બ્લૉક જ જોઈતા હતા; પરંતુ રેલવેએ આ કામ પૂરું કરતાં ત્રણ મહિના લીધા, કારણ કે તેઓ વારંવાર ટ્રેનના ટ્રાફિકને બંધ કરી શકે નહીં. તેમણે રોજના લાખો મુસાફરોની વ્યવસ્થાનું ધ્યાન રાખવાનું છે. રેલવેના એક બ્લૉક માટે ઓછામાં ઓછા ૩૦ વિભાગની મંજૂરી છે જરૂર છે તેથી એમના માટે પણ બ્લૉક લેવાનું અને તરત જ કામ કરવું સહેલું નથી.’
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવે પરના હૅન્કૉક બ્રિજના કિસ્સામાં ગર્ડર બેસાડવા માટે આખા દિવસના બ્લૉકની જરૂર પડી હતી એવી જરૂર અહીં પણ પડશે. સુધરાઈના ઍડિશનલ કમિશનર વેલારાસુએ ‘મિડ-ડે’ના સવાલનો કોઈ જવાબ આપ્યો નહોતો.
બીજી ફેબ્રુઆરીએ ગોખલે બ્રિજની મુલાકાત લીધા બાદ સુધરાઈના અધિકારીએ એવી ચિંતા વ્યકત કરી હતી કે કદાચ આ વર્ષના મે મહિનામાં બ્રિજને આંશિક રીતે ખુલ્લો નહીં મૂકી શકાય. બ્રિજના નિર્માણકાર્યમાં ઝડપ લાવવા માટે સાતમી ફેબ્રુઆરીએ રેલવેના અધિકારીઓ સાથે મીટિંગ પણ થઈ હતી.