અત્યારે આ ઑફિસ BJPના વિધાનસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન શિવેન્દ્રરાજે ભોસલેને ફાળવવામાં આવી છે
મંત્રાલયમાં આવેલી ૬૦૨ નંબરની ઑફિસ.
એની પાછળ એવી માન્યતા છે કે જે આ ઑફિસમાં બેસે છે તેણે રાજીનામું આપવું પડે છે, કોઈ કૌભાંડમાં તેનું નામ સંડોવાય છે અથવા તો તે અકાળે મૃત્યુ પામે છે : અત્યારે આ ઑફિસ BJPના વિધાનસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન શિવેન્દ્રરાજે ભોસલેને ફાળવવામાં આવી છે
મહાયુતિ સરકારમાં પ્રધાનોનાં ખાતાં અને બંગલાની ફાળવણી કરવાની સાથે-સાથે મુંબઈમાં આવેલા મંત્રાલયમાં પ્રધાનોને ઑફિસની ફાળવણી પણ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય શિવેન્દ્રરાજે ભોસલે રાજ્યકક્ષાના પ્રધાન બન્યા છે અને તેમને મંત્રાલયમાં ૬૦૨ નંબરની ઑફિસ ફાળવવામાં આવી છે, પણ અત્યારે આ ઑફિસની ભારે ચર્ચા થઈ રહી છે. ૬૦૨ નંબરની આ ઑફિસનો ઉપયોગ સાર્વજનિક બાંધકામ વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે. કોઈ પણ પ્રધાન ૬૦૨ નંબરની ઑફિસમાં બેસવા તૈયાર નથી ત્યારે શિવેન્દ્રરાજે ભોસલે એમાં બેસીને કામકાજ કરશે કે નહીં એવો સવાલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
૬૦૨ નંબરની ઑફિસ અપશુકનિયાળ હોવાનું માનવામાં આવે છે. આથી જ અહીં કોઈ પ્રધાન બેસવા તૈયાર નથી. ભૂતકાળની કેટલીક ધારણાને લીધે આ ઑફિસ બદનામ થઈ ગઈ છે. આ ઑફિસમાં જે પ્રધાન બેસે છે તેણે કાં તો રાજીનામું આપવું પડે છે, કોઈ કૌભાંડમાં તેનું નામ સંડોવાય છે અથવા તો અકાળે મૃત્યુ પણ થતું હોવાની માન્યતા રાજકીય વર્તુળમાં છે.
કેમ અપશુકનિયાળ છે આ ઑફિસ?
૧૯૯૯માં આ ઑફિસ તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહનો હવાલો સંભાળતા છગન ભુજબળને ફાળવવામાં આવી હતી. ૨૦૦૩માં છગન ભુજબળ તેલગી સ્ટૅમ્પ કૌભાંડમાં અટવાયા.
એ પછી અજિત પવાર આ ઑફિસમાં કામકાજ કરતા હતા ત્યારે તેઓ સિંચનકૌભાંડમાં અટવાતાં રાજીનામું આપવું પડ્યું હતું. ૨૦૧૪માં દેવેન્દ્ર ફડણવીસની સરકારના કૅબિનેટ પ્રધાન એકનાથ ખડસે આ ઑફિસમાં કામકાજ કરતા હતા ત્યારે તેમનું નામ જમીનકૌભાંડમાં આવતાં રાજીનામું આપવું પડ્યું હતું. એ પછી આ ઑફિસ ભારતીય જનતા પાર્ટી (BJP)ના બીજા પ્રધાન પાંડુરંગ ફુંડકરને ફાળવવામાં આવતી હતી, જેમનું ૨૦૧૮માં અચાનક હાર્ટ-અટૅક આવવાથી મૃત્યુ થયું હતું. ત્યાર બાદ આ ઑફિસ BJPના નેતા અનિલ બોંડેને ફાળવવામાં આવી હતી, જેમનો ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો હતો.