વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક સંદેશ બહાર પાડ્યો છે અને જણાવ્યું કે તેઓ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરતાં પૂર્વે ૧૧ દિવસ સુધી ધાર્મિક વિધિ કરવા જઈ રહ્યા છે
કાળારામ મંદિરમાં પૂજા કરી રહેલા નરેન્દ્ર મોદી
મુંબઈ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક સંદેશ બહાર પાડ્યો છે અને જણાવ્યું કે તેઓ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરતાં પૂર્વે ૧૧ દિવસ સુધી ધાર્મિક વિધિ કરવા જઈ રહ્યા છે અને એ દરમ્યાન તેઓ કેટલાક નિયમનું પાલન કરશે. તેમની ધાર્મિક વિધિઓ નાશિકના પંચવટીથી શરૂ થશે. વડા પ્રધાન નાશિકના પંચવટીથી ધાર્મિક વિધિઓ શરૂ કરી રહ્યા છે. પંચવટીનું મહત્ત્વ અને એ મહાન મહાકાવ્ય રામાયણ સાથે કેવી રીતે જોડાયેલું છે એ જાણીએ.
મહારાષ્ટ્રના નાશિકમાં આવેલું પંચવટી વેસ્ટર્ન ઇન્ડિયાના કાશી તરીકે ઓળખાય છે. ભગવાન શ્રીરામ જ્યારે ૧૪ વર્ષ માટે વનવાસમાં ગયા હતા ત્યારે તેમણે આ સ્થાને થોડો સમય વિતાવ્યો હતો. આજે ત્યાં કાલારામ મંદિર છે, જ્યાં મોટાં-મોટાં વટવૃક્ષ છે. એવું માનવામાં આવે છે કે તમામ વટવૃક્ષની ઉત્પત્તિ પાંચ વડનાં વૃક્ષમાંથી થઈ છે એથી આ સ્થળનું નામ પંચવટી પડ્યું હતું. આ શબ્દમાં પંચ એ નંબર પાંચ માટે વપરાય છે જ્યારે વટીનો ઉપયોગ વટવૃક્ષ માટે થાય છે. એ સિવાય એવું કહેવાય છે કે આ સ્થાને માતાની ગુફા પણ છે.
ADVERTISEMENT
કાલારામ મંદિર સિવાય આ સ્થાને કપાલેશ્વર મંદિર, ગંગા ગોદાવરી મંદિર, સુંદર નારાયણ મંદિર, તાલકુટેશ્વર મંદિર, નીલકંઠેશ્વર ગોરારામ મંદિર, મુરલીધર મંદિર, તિલભંડેશ્વર મંદિર સહિત અનેક મંદિર છે. આ મંદિરની સંખ્યા એટલી વધારે છે કે લોકો એને પશ્ચિમ ભારતનું કાશી કહે છે. કાત્યા મારુતિ મંદિર, પંચમુખી હનુમાન મંદિર, ભદ્રકાલી મંદિર, કપૂરથલા મેમોરિયલ પણ પંચવટી અને એની આસપાસના વિસ્તારોમાં આવેલાં છે.
પંચવટી એ જ સ્થળ છે જ્યાં લક્ષ્મણે રાવણની બહેન શૂર્પણખાનાં નાક-કાન કાપી લીધાં હતાં અને ત્યાર બાદ રાવણે સીતાનું અપહરણ કર્યું હતું.
ગઈ કાલે નરેન્દ્ર મોદીએ જે કાલારામ મંદિરની મુલાકાત લીધી એ માત્ર એક સ્થાપત્ય અજાયબી જ નહીં, પરંતુ આધ્યાત્મિક અજાયબી પણ કહેવાય છે. મંદિરને એ જ જગ્યાએ બાંધવામાં આવ્યું છે જ્યાં ભગવાન રામે સીતા અને લક્ષ્મણ સાથે તેમની નાની કુટિર બનાવી હોવાનું માનવામાં આવે છે. મંદિરનું નામ કેવી રીતે પડ્યું એની પાછળની વાર્તા એ છે કે પંચવટીના ઋષિઓએ આ પ્રદેશમાં રાક્ષસોથી મુક્તિ મેળવવા માટે રામને વિનંતી કરી ત્યારે ભગવાન રામે રાક્ષસોને હરાવવા માટે ‘કલા રૂપ’ ધારણ કર્યું હતું.