ગોઝારા અકસ્માત બાદ ડ્રાઇવરોને આપવામાં આવતા પ્રશિક્ષણનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો
BEST બસની ફાઇલ તસવીર
કુર્લામાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસનો અકસ્માત થયા બાદ હવે BEST અને એના કૉન્ટ્રૅક્ટરો દ્વારા ડ્રાઇવરને આપવામાં આવતી ટ્રેઇનિંગનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે.
મિની બસ ચલાવવાનો અનુભવ ધરાવતા સંજય મોરેને ૧૨ મીટર લાંબી ઇલેક્ટ્રિક બસ ચલાવવા પહેલાં માત્ર ૩ દિવસની ટ્રેઇનિંગ અપાઈ હતી અને ૧ ડિસેમ્બરથી તેને ફરજ પર લેવામાં આવ્યો હતો. જોકે BESTના ડ્રાઇવરોને દોઢ મહિનાની ટ્રેઇનિંગ આપ્યા બાદ જ ડ્યુટી આપવામાં આવે છે. તો કૉન્ટ્રૅક્ટ પરના ડ્રાઇવર માટે અલગ નિયમ કેમ છે એવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.
જોકે સંજય મોરેએ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે તેણે ફરજ પર હાજર થતાં પહેલાં ઇલેક્ટ્રિક બસ ચલાવવાની ૯ દિવસની ટ્રેઇનિંગ લીધી હતી. સંજય મોરેએ પોલીસને કહ્યું છે કે ભૂલથી તેણે બ્રેકને બદલે એક્સેલરેટર પર પગ મૂકી દીધો હતો.
ADVERTISEMENT
કૉન્ટ્રૅક્ટની બસના ડ્રાઇવરો જે-તે કંપનીના હોય છે, પણ કન્ડક્ટર BESTના હોય છે. આ બસોને મેઇન્ટેઇન કરવાનું અને ડ્રાઇવરોને પગાર આપવાનું કામ જે કંપનીનો BEST સાથે કૉન્ટ્રૅક્ટ થયો હોય એણે જ કરવાનું હોય છે. આ ડ્રાઇવરોને મહિનાનો માત્ર ૧૫,૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવતો હોવાથી તેઓ ઘણી વાર પોતાની આ ડિમાન્ડને લઈને સ્ટ્રાઇક પર જતા રહેતા હોય છે ત્યારે પ્રવાસીઓની હાલત ખરાબ થઈ જાય છે. આ બધામાં નવાઈની વાત એ છે કે BESTનો એના પર કોઈ કન્ટ્રોલ નથી હોતો.