કર્પૂરી ઠાકુર ઓબીસીના નેતા છે અને અમે ખુશ છીએ કે તેમનું ભારત રત્ન માટે નામ આપવામાં આવ્યું છે
સંજય રાઉત
શિવસેના (યુબીટી)એ બુધવારે હિન્દુત્વના વિચારક વી. ડી. સાવરકરને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન ન આપવા બદલ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો.
કૉન્ફરન્સને સંબોધતાં સેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને મરણોત્તર અવૉર્ડથી સન્માનિત કરવાના કેન્દ્રના નિર્ણયને રાજકીય ચાલ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘દિલ્હીમાં નરેન્દ્ર મોદી સરકારે ચાર્જ સંભાળ્યો ત્યારથી (૨૦૧૪) ૧૧ લોકોને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, પરંતુ સાવરકરને આ યાદીમાં સ્થાન મળ્યું નથી. અમારે એ જ કહેવું છે કે કે વીર સાવરકરને ભારત રત્ન મળવો જોઈએ. કર્પૂરી ઠાકુર ઓબીસીના નેતા છે અને અમે ખુશ છીએ કે તેમનું ભારત રત્ન માટે નામ આપવામાં આવ્યું છે. ભાજપનું દરેક પગલું રાજકીય સ્વાર્થ માટે છે. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા મુખ્ય લોકોનું સન્માન કરવામાં આવે છે, પરંતુ સાવરકરને ભારત રત્ન કેમ નથી આપવામાં આવતો? ભાજપ તેમને ભારત રત્ન આપવાથી કેમ ભાગી રહ્યો છે?’